શું રાજકોટમાં સર્કલો પર પોલીસ હોતી જ નથી? ટ્રાફિક સિગ્નલો તોડનારાઓને જાણે ડર જ નથી
રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા વધે છે અને સાથે ટ્રાફિક પણ વધતો જાય છે. અસંખ્ય એવા વાહન ચાલકો હશે કે જાણે સાવ જડ જેમ વર્તવવુ અથવા તો સ્વયં શિસ્ત જ ન હોય તેમ કાયદાને જાણે અનુસરવાનું જ નહીં ! શહેરના મુખ્ય માર્ગોના સર્કલો (ચાર ચોક) પર ટ્રાફિક નિયંત્રણ માટે ટ્રાફિક સિગ્નલો કાર્યરત છે. ચોકમાં ટ્રાફિક પોલીસ, ટીઆરબી જવાનો હોય છે આમ છતાં જાણે મગજમાં એકપ્રકારની રાઈ ભરાયેલી હોય અથવા તો ઉતાવળ ફાટી પડતી હોય તેમ અને કાં તો પોલીસ હોય કે ન હોય આપણને શું ફેર પડે ?

પોલીસ કાર્યવાહી, નિયમભંગનો કોઈ ડર ન હોય તેમ ટ્રાફિક સિગ્નલ, પોતાના તરફની સાઈડ બંધ હોવા છતાં આવા નિયમ કે કાયદાની ઐસીતૈસી કરી વાહન ચાલકો સાઈડો તોડીને વાહનો ચલાવી ભાગતા હોય છે. આવા અબુધ્ધ જેવા અથવા પોલીસને પડકાર કરતા હોય કે થાય તે કરી લો ? તમારી નજર સામે જ છાતી ઉપર જ સિગ્નલો તોડીને વન-વેમાં ઘૂસીને નિયમ ભંગ કરશું-કરશું અને કરશું જ. આવા વાહન ચાલકો, તત્વો અન્ય વાહન ધારકો, પગપાળા જતા રાહદારીઓ માટે પણ ભયરૂપ છે. સાઈડ સિગ્નલો તોડીને નીકળે એટલે જે સાઈડ ખૂલી હોય તે તરફના વાહનોને અકસ્માતનો ભય રહે અથવા આવા નિયમ તોડી વાહન ધારકને નાછૂટકે પાસ થવા દેવો પડે.

આવા વાહન વચ્ચે ઘૂસે એટલે ટ્રાફિકજામ પણ સર્જી દેતા હોય છે. ચોક, વન-વે પર પોલીસ હોય તો તે જાણે પોતાના અન્ય કામોમાં વ્યસ્ત હોય દંડના ટાર્ગેટ કે અન્ય ટ્રાફિક સંબંધી કામમાં રહેતા હોય. આવા સાઈડ સિગ્નલ તોડ વાહન ચાલકોને રોકવાની પણ પરવાહ લેવાતી નહીં હોય, નિયમબધ્ધ રીતે વાહનો ચલાવે છે. કાયદાને માન આપે છે તેવા વાહન ચાલકોને એવું ચોક્કસપણે થતું હશે કે આપણી નજર સામે જ સિગ્નલ કે વન-વે તોડીને નીકળી જાય છે તેને કાં તો પોલીસ કાંઈ કરતી જ નહીં હોય અથવા પોલીસનો ડર જ નહીં હોય કે શું ?

પોલીસ ઉભી હોવા છતાં આવા વાહન ચાલકોને ન રોકે તો શું સમજવું? કયારેક અકસ્માતો પણ સર્જાતા રહે, ટ્રાફિક જામ પણ આવા વાહનો જ કરે છે. અને આવા તત્વોને લઈને અન્ય વાહન ધારકો પણ સિગ્નલો તોડીને ભાગે અથવા શીખે છે, વાહનોમાં ઘણા તો નંબર પ્લેટ પણ ન રાખતા હોવાથી સીસીટીવી કેમેરામાં પણ આવવાનો ભય હોતો નથી. પોલીસ પણ કેમ પકડે ? સી.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ આવા તત્વોની દવા કરવી જરૂરી છે.

