રાજકોટના ધારાસભ્યની લેબોરેટરીના માર્કેટિંગ હેડ સાથે 1.16 લાખનું સાયબર ફ્રોડ, ગઠિયાએ 12 વખત OTP લઈને બારોબાર ખરીદી કરી લીધી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં સાયબર ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો હોય સરકાર તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અંગે સાવચેત રહેવા વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે આમ છતાં હજુ ઘણા લોકો તેનો ભોગ બની રહ્યા છે. આવી જ એક છેતરપિંડી રાજકોટના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહની મોટી ટાંકી ચોકમાં રત્નમ હોસ્પિટલ બિલ્ડિંગમાં આવેલી ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના માર્કેટિંગ હેડ સાથે થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે ધ્રુવ દિલીપભાઈ ભટ્ટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત વર્ષે જૂલાઈ મહિનામાં તેના મોબાઈલ નંબર ઉપર એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ વિભાગમાં બોલતો હોવાની ઓળખ આપી એક શખસે ફોન કર્યો હતો. ફોન પર તેણે ધ્રુવને કહ્યું કે તેનું ક્રેડિટ કાર્ડ એક્ટિવ નથી જેને એક્ટિવ કરાવવું હોય તો તે શખસ કહે તેમ પ્રક્રિયા કરવી પડશે. ધ્રુવને વિશ્વાસ બેસી જતા તેણે ફોન કરનારને એક બાદ એક સાત વખત ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આપી દીધા હતા. આટલું કરીને ફોન કરનારે ફોન કટ કરી નાખ્યો હતો.
બે દિવસ બાદ ફરી ધ્રુવ ઉપર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પાંચ વખત ઓટીપી મેળવ્યા હતા. આમ કુલ 12 વખત ધ્રુવે ફોન કરનારને ઓટીપી આપ્યાબાદ 12 દિવસ બાદ ધ્રુવ પર બેન્કમાંથી ફોન આવ્યો હતો કે તેનું 1.16 લાખનું ક્રેડિટ કાર્ડનું બિલ બની ગયું છે. જો કે ધ્રુવે કોઈ જ વપરાશ ન કર્યો હોવાનું કહેતાં બેન્ક દ્વારા જણાવાયું હતું કે ક્વિકસિલ્વર સોલ્યુશન્સ પ્રા.લિ. મારફતે 1.16 લાખની ખરીદી કરવામાં આવી છે. આ જાણીને ધ્રુવે 1930 ઉપર અરજી કરી હતી જેના આધારે 14 મહિના બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. એકંદરે ગઠિયાએ ધ્રુવનું ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરીને તેના મારફતે ખરીદી કર્યાનું સામે આવ્યું હતું.
