રાજકોટના મોરબી રોડ પર રુ. 10 હજારની ઉઘરાણીમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર માર્યો : પોલીસે 25 દિવસે ગુનો નોંધ્યો
રાજકોટના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા યુવકનું માત્ર દસ હજારની ઉઘરાણીમાં અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યાની ફરિયાદ છેક 25 દિવસે પોલીસ દ્વારા નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે વિજય નાગદાનભાઈ કુંભરવાડિયાએ ફરિયાદમાં જણાવ્યું કે ગત 30 ઓગસ્ટે તે રાત્રે 12 વાગ્યા આસપાસ પિતરાઈ ભાઈ સાથે મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસેથી જકાતનાકા તરફ જઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા લઈને રાજન હસુભાઈ બાબરિયા ધસી આવ્યો હતો અને મારા પિતા તારી પાસે કેટલા પૈસા માંગે છે કહેતા મેં તેને કહ્યું હતું કે મારે દસ હજાર આપવાના છે. આ પૈસા પાંચ વર્ષ પહેલાં વિજય મંડળ ચલાવતો હતો તેના હિસાબ પેટે આપવાના હતા. જો કે રાજને તાત્કાલિક પૈસા જોઈશે તેમ કહી વિજયને ધરાર ગાડીમાં બેસાડી દઈને લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર કોઈનો ફોન આવ્યો હતો જેમાં રાજને કહ્યું હતું કે વિજય ઉર્ફે મુન્નાને ઉપાડી લીધો છે અને તું બેડી ચોકડીએ આવી જાય તેવું કહ્યું હતું.
આ પછી રાજનનો નાનો ભાઈ દેવ તેમજ અન્ય એક શખસ ત્યાં ધસી આવ્યો હતો અને માર મારવા લાગ્યો હતો. રાજન અને તેનો ભાઈ એક ગેરેજમાં લઈ ગયા હતા જ્યાં પણ માર માર્યો હતો. માર માર્યા બાદ બહાર કાઢતાં બન્નેએ ઘેર મુકી જવા માટે કહ્યું હતું પરંતુ વિજયે ઈનકાર કરતા તેને ફરી ગાળ આપી ધરાર સ્કૂટર ઉપર બેસાડીને ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે ઉતારી બન્ને ફરાર થઈ ગયા હતા. બી-ડિવિઝન પોલીસે રાજન હસુભાઈ બાબરિયા સામે ગુનો દાખલ કર્યો હતો.
