લગ્ન પછી હિન્દુ મહિલાનું ગોત્ર બદલાય એટલે સંપત્તિ પતિના વારસદારોને જ મળે : હિન્દુ સક્સેસન એક્ટમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિરીક્ષણ
સુપ્રીમ કોર્ટે હિંદુ સક્સેશન એક્ટ, 1956ની કલમ 15(1)(b) સામેની એક અરજીની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી કે જો કોઈ હિંદુ મહિલા વસિયત વિના મૃત્યુ પામે અને તેનો પતિ કે સંતાનો ન હોય, તો તેની સંપત્તિ તેના પતિના વારસદારોને મળે છે, કારણ કે લગ્ન પછી તેનું ગોત્ર બદલાય છે.

આ કેસમાં અરજદારોએ હિંદુ સક્સેશન એક્ટની કલમ 15(1)(b)ને પડકારી હતી, જે મુજબ મહિલાની સંપત્તિ તેના પતિના વારસદારોને મળે છે, જ્યારે પુરુષની સંપત્તિ તેના પરિવારને મળે છે. અરજદારોનું કહેવું હતું કે આ કલમ ભેદભાવપૂર્ણ અને ગેરવાજબી છે. અરજદાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે જો પુરુષ વસિયત વિના મૃત્યુ પામે તો તેની સંપત્તિ તેના પરિવારને મળે છે, પરંતુ મહિલાની સંપત્તિ ફક્ત પતિના પરિવારને જ કેમ મળે? તેમણે આ કલમને ભેદભાવપૂર્ણ ગણાવી હતી.
જો કે જસ્ટિસ બી.વી. નાગરથનાની આગેવાની હેઠળની બેન્ચે હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓ પર ભાર મૂક્યો. કોર્ટે જણાવ્યું કે હિંદુ લગ્નમાં ‘કન્યાદાન’ અને ગોત્ર બદલવાની પરંપરા છે, જે દક્ષિણ ભારતમાં રીતસરની ઘોષણા સાથે થાય છે. લગ્ન પછી મહિલાની જવાબદારી તેના પતિ અને તેના પરિવાર પર આવે છે. જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે મહિલા તેના માતા-પિતા કે ભાઈ પાસેથી નિર્વાહ ખર્ચ નહીં માગે. એવા કિસ્સામાં તે પતિ, તેના વારસદારો કે તેના એસ્ટેટ સામે નિર્વાહ ખર્ચ માટે દાવો કરે છે, પોતાના માતા, પિતા કે ભાઈ પાસે નહી.
આ પણ વાંચો :ટ્રમ્પે ફરી આપ્યો 440-વોલ્ટનો ઝટકો! ફાર્મા પ્રોડક્ટ પર 100%, કિચન કેબિનેટ પર 50% ટેરિફની જાહેરાત, જાણો ભારતને શું થશે અસર
અદાલતે કહ્યું કે જો પતિ કે સંતાનો ન હોય, તો તે વસિયત બનાવી શકે છે.” કોર્ટે ઉમેર્યું કે હજારો વર્ષની પરંપરાઓને માત્ર ન્યાયિક નિર્ણયથી તોડી શકાય નહીં, અને આવા મુદ્દાઓમાં સમાધાન કે મધ્યસ્થીનો રસ્તો અપનાવવો જોઈએ.
કોર્ટે આ મામલાને સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી કેન્દ્રમાં મોકલી અને પક્ષકારોને સમાધાન માટે પ્રયાસ કરવા સૂચના આપી હતી અને સાથે જ બંધારણીય પ્રશ્નોની સમીક્ષા ચાલુ રાખી છે.
“જો પુરુષ વસિયત વિના મૃત્યુ પામે, તો તેની સંપત્તિ તેના પરિવારને મળે છે. મહિલાની સંપત્તિ, તેના સંતાનો પછી, ફક્ત પતિના પરિવારને જ કેમ મળે?” – અરજદારના વકીલ કપિલ સિબ્બલ
“તે તેના માતા-પિતા કે ભાઈ પાસેથી નિર્વાહ ખર્ચ નહીં માગે… તેનો દાવો પતિ, તેની એસ્ટેટ સામે હશે… જો મહિલાને સંતાનો ન હોય, તો તે હંમેશા વસિયત બનાવી શકે છે.”- જસ્ટિસ બી.વી. નાગરથન
