રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે સફાઈ કામદારોનું શોષણ : કોન્ટ્રાકટર રૂ.7 હજાર પડાવી લેતો હોવાની કલેક્ટરને ફરિયાદ
હરહમેશ કોઈને કોઈ વિવાદમાં રહેતા રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે સફાઈ કામદારોનું શોષણ થઇ રહ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ યુવા શક્તિ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ આસીમ કોમ્યુનીકેશન નામના કોન્ટ્રાકટર હેઠળ કામગીરી કરતા સફાઈ કામદારોને ઓનલાઇન 18 હજાર ચૂકવ્યા બાદ કોન્ટ્રાકટર દરેક કામદાર પાસેથી 7-7 હજાર પરત પડાવી લેતો હોવાનું તેમજ ઈપીએફ, ઈએસઆઈ નિયમિત પગારમાંથી કાપી લઈ પહોંચ ન આપતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ યુવા શક્તિ સેનાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સફાઈ કામદાર કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આસીમ કોમ્યુનીકેશન પ્રા.લી.ના કોન્ટ્રાકટમાં અંદાજે 100- સફાઈ કામદારો તરીકે કામ કરીએ છીએ. માસિક અમારો પગાર સરેરાશ અંદાજે રૂા. 18,000/- (અઢાર હજાર) છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા અમોને માસિક રૂા. 18,000/- (અઢાર હજાર) ખાતામાં જમા કરે છે. અને બાદમાં રૂા.7,000/- (સાત હજાર) પરત લઈ લે છે. અમો તેમની સામે આ બાબતે વિરોધ કરીએ તો કોન્ટ્રાકટર દ્વારા અમોને કહેવામાં આવે છે કે તમારે કામ કરવું હોય તો કરો, નહીતો છુટા કરી દેશું. દર મહીને સેલેરીમાંથી રૂા.7,000/- (સાત હજાર) તમારે દેવા જ પડશે. જો નહી આપો તો કાલથી તમો કામમાંથી છુટા કરી દેશું તેવી ધમકી આપવામાં આવતી હોવાનું રજુઆતમાં જણાવ્યું હતું.
વધુમાં કોન્ટ્રાકટર દ્વારા સ્પષ્ પણે કહેવામાં આવે છે કે, સેલેરી તમારા ખાતામાં સરકારને દેખાડવા માટે એકાઉન્ટમાં જમા કરવી પડે છે. અમો કોઈ મફતમાં કોન્ટ્રાકટ લેવા બેઠા નથી.તમારે અનુકુળ હોય તો કામ કરો, નહીતો ઘર ભેગા થઈ જાવ. સાથે જ સફાઈ કામદારોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં નોકરી ઉપર જોડાયેલા તમામ સફાઈ કામદારો પાસેથી રૂા.5,000/- લેખે ડીપોઝીટ પેટે કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાવવામાં આવેલ છે. સાથે જ રૂા.7,000/- લેખે 100 સફાઈ કામદારોના છેલ્લા સાત મહીનાથી કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈ.પી.એફ. રૂા.1800 અને ઈ.એસ.આઈ. રૂા. 136 લેખે દર માસે અમોના પગારમાંથી કપાત થાય છે પરંતુ પહોંચ આપવામાં આવતી નથી. આથી જો આ બાબતે પંદર દિવસમાં ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
