સોફ્ટવેરના ઉપયોગથી દેશભરમાં મતદાર યાદીમાં ગોલમાલ કરવાનું ષડયંત્ર : રાહુલ ગાંધીએ વોટ-ચોરીના પુરાવા કર્યા રજૂ
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી દેશભરમાં સોફ્ટવેરના ઉપયોગથી કોંગ્રેસ અને વિપક્ષના લાખો મતદારોના નામ મતદાર યાદી માંથી ગાયબ કરી નાખવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં પાવર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. રાહુલ ગાંધીએ
કર્ણાટકની એક વિધાનસભા બેઠકનું ઉદાહરણ આપ્યું હતું જેમાં ઓછામાં ઓછા 6000 નામ રદ કરી નાખવામાં આવ્યા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ્વરને લોકશાહીની હત્યા કરનારા રક્ષક ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ અગાઉ વોટ ચોરી મુદ્દે “પરમાણુ બોમ્બ ” જેવો ઘટસ્ફોટ કરવાની જાહેરાત કરી હતી. જો કે આ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે પરમાણુ બોમ્બ ફોડવાનો હજુ બાકી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશભરમાં કોંગ્રેસ અને વિપક્ષના મતદારોના નામ મતદાર યાદીમાંથી વ્યવસ્થિત રીતે ગાયબ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સામાન્ય માનવીય ભૂલ નહીં પરંતુ સેન્ટ્રલાઈઝ્ડ ઓપરેશન છે. આ પ્રક્રિયા સોફ્ટવેર દ્વારા થઈ રહી છે અને તેમાં ફેક લોગિન તેમજ અજાણ્યા મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી નામ ડીલીટ કરવાના ફોર્મ ભરવામાં આવે છે.
તેમણે કર્ણાટકની અલંદ બેઠકનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ત્યાં 6,018 નામ ડિલીટ કરવાનો પ્રયાસ થયો હતો. એક બૂથ લેવલ અધિકારીએ પોતાના કાકાનું નામ ડિલીટ થયેલું જોયું અને તપાસ કરતાં ખુલ્યું કે તેના પડોશીએ ફોર્મ ભર્યું હતું, પરંતુ પડોશીને તેની ખબર જ નહોતી. રાહુલે ઉમેર્યું કે ન તો જેમણે નામ ડિલીટ કર્યું તેમને ખબર હતી, ન તો જેમનું નામ ડિલીટ થયું તેમને ખબર હતી.
ગાંધીએ આરોપ કર્યો કે દેશભરમાં કોંગ્રેસના ગઢોને નિશાન બનાવીને લાખો મતદારોના નામો ગાયબ કરાયા છે. 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલા ટોચના 10 બૂથોમાંથી 8 બૂથોમાં જ સૌથી વધુ નામ ડિલીટ કરાયા હતા. તેમણે આ આયોજનબદ્ધ ઓપરેશન હોવાનો આક્ષેપ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં તેમણે કેટલાક લોકોને પણ બોલાવ્યા, જેઓના ફોન નંબરોના ઉપયોગથી મતદારોના નામ ડિલીટ કરાયા હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ લોકોએ જણાવ્યું કે તેમને આ અંગે કઈ જ ખબર નહોતી. ગાંધીએ કહ્યું કે ક્યાંક મતદારો ઉમેરાય છે, ક્યાંક ડિલીટ થાય છે, પરંતુ પદ્ધતિ એકસરખી છે જેમાં ફોન નંબરોનો ગેરકાયદે ઉપયોગ કરીને ગોટાળો કરાય છે.
મુખ્ય ચૂંટણી કમિશનર લોકશાહીની હત્યા કરનારાઓના રક્ષક
રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનરને લોકશાહીની હત્યા કરનારાઓના રક્ષક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક CID એ છેલ્લા 18 મહિનામાં ચૂંટણી પંચને 18 પત્ર લખીને, કયા IP પરથી નામ ડીલીટ કરવાના ફોર્મ ભરાયા, કયા નંબર પર OTP ગયા વગેરે અંગે પત્ર લખી સઘન માહિતી માગી છે. પરંતુ જ્ઞાનેશ કુમાર આ માહિતી આપતા નથી, કારણ કે એથી આખું નેટવર્ક પકડાઈ જશે. તેમણે ઉમેર્યું કે આ પુરાવો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આ ગોટાળાને બચાવી રહ્યા છે. ગાંધીએ ચેતવણી આપી કે ચૂંટણી પંચે આ ડેટા એક અઠવાડિયામાં જાહેર કરવો જોઈએ. નહીંતર સાબિત થઈ જશે કે જ્ઞાનેશ કુમાર લોકશાહીના હત્યારાઓના રક્ષક છે.
ચૂંટણી પંચે આક્ષેપો ફગાવ્યા
રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બાદ પ્રતિક્રિયા આપતા ચૂંટણી પંચે આ આક્ષેપોને ખોટા અને આધારિત જણાવ્યા હતા. પંચ સ્પષ્ટ કર્યું કે જનતા દ્વારા ઓનલાઈન મતદારોનું નામ હટાવી શકાય નહીં. એ જ રીતે અસરગ્રસ્ત વ્યક્તિને સુનાવણીની તક આપ્યા વિના કોઈ નામ હટાવી શકાય નહીં. જોકે, પંચે સ્વીકાર્યું કે કર્ણાટકના આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ હટાવવાના કેટલાક અસફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા, અને આ મામલે તપાસ માટે ચૂંટણી પંચ દ્વારા જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
