ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
15 સપ્ટે.ની મોડીરાત્રે સીબીડીટીએ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અવધિ માત્ર “1” દિવસ વધારી આપી પણ પોર્ટલ સ્લો ડાઉન રહેતાં ફરિયાદો ઉભી થઇ હતી.ગઈકાલે એક જ દિવસમાં 1.30 કરોડ રિટર્ન ફાઇલ થયાં છે. ત્યારે હવે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં એવા કરદાતાઓને મોટી રાહત આપી છે જેઓ કોઈ ઈમરજન્સીના કારણે સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરી શક્યા હોય. વિભાગે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ‘કન્ડોનેશન ઑફ ડિલે’ વિકલ્પ મુક્યો છે, જો અરજી સ્વીકારવામાં આવે,તો અરજદારે કોઈ દંડ ચૂકવવાનો રહેશે નહીં.
કરદાતા વિલંબ બદલ માફી માટે અપીલ કરી શકે છે
આઈ.ટી.એ આપેલી વિગતો મુજબ ઘણીવાર લોકો હૉસ્પિટલમાં દાખલ થવા, ઘરે કોઈનું મૃત્યુ અથવા અન્ય ગંભીર કારણોસર સમયસર રિટર્ન ફાઇલ કરી શકતા નથી. આવા કિસ્સાઓમાં રાહત આપવા માટે પોર્ટલ પર આ સુવિધા શરુ કરવામાં આવી છે. તેના દ્વારા કરદાતા વિલંબ બદલ માફી માટે અપીલ કરી શકે છે. જો વિભાગ આ વિનંતી સ્વીકારે છે, તો કરદાતાએ વધારાનો ટેક્સ, પેનલ્ટી અથવા વ્યાજ ચૂકવવું પડશે નહીં.
આ સુવિધાનો લાભ આકારણી વર્ષના અંત સુધી ઉઠાવી શકાશે
વિભાગના જણાવ્યા પ્રમાણે અરજદાર દ્વારા આપવામાં આવેલ કારણ સાચું હોવું જોઈએ અને તેના દાવાને સાબિત કરવા માટે પૂરતા પુરાવા પૂરા પાડવા પડશે. આ સુવિધાનો લાભ આકારણી વર્ષના અંત સુધી ઉઠાવી શકાશે. ચાલુ નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 જુલાઈમાંથી 15 સપ્ટેમ્બર કરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ: વિશ્વના 75 દેશોમાં 7500થી વધુ રકતદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબરોયે કર્યું બ્લડ ડોનેટ
ઘણા દિવસોથી ઇન્કમટેક્સ વિભાગનું પોર્ટલ ધીમુ ચાલતું હોવાની ફરિયાદો ટેક્સ પ્રેક્ટિશનર સોસાયટીઓ દ્વારા ઊભી થઈ હતી. હજુ પણ રિટર્ન ફાઇલ કરવા માટેની મુદત વધારવા માટે દેશભરમાંથી માંગણી ઊભી થઈ હતી આ દરમિયાન સોમવારે મોડી રાત્રે સીબીડીટી દ્વારા 24 કલાકની મુદત અપાઈ હતી.
ગત વર્ષે 7.28 કરોડ રિટર્ન ફાઇલ થયા હતાં
છેલ્લા ચાર દિવસથી રિટર્ન ફાઇલ કરવા માટે કરદાતાઓની કવાયત ચાલતી હોવાથી સિસ્ટમ ઠપ્પ થઈ જતી હતી. ગત વર્ષે 7.28 કરોડ રિટર્ન ફાઇલ થયા હતાં. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં આઠ કરોડ સુધીનાં રિટર્ન ફાઇલ થયા છે.
