ના હોય…ભારત-પાકિસ્તાન મેચની 50% ટિકિટ નથી વેચાઈ : અડધું સ્ટેડિયમ રહેશે ખાલી
ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય અને ટિકિટ માટે મગજમારી ન થાય એવું ક્યારેય બની શકે ? જો કે હવે આ મેચમાં પણ કોઈને રસ ન હોય તેવું બની રહ્યું છે. એશિયા કપ-2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે લીગ મેચ રમાવાની છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાનારી આ મેચમાં 50% જેટલી જ ટિકિટનું વેચાણ થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે.
આવું ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં કદાચ પહેલીવાર બનવા પામ્યું છે. અહેવાલો પ્રમાણે ભારતીય ક્રિકેટરસિકો આ મેચનો બહિષ્કાર કરી રહ્યા છે અને તેઓ બીસીસીઆઈ, ભારત સરકાર, એશિયન ક્રિકેટ કાઉન્સીલ તેમજ સમગ્ર ક્રિકેટ બિરાદરીને બતાવવા માંગે છે તે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ પણ સ્તરે ક્રિકેટ જોવાનું પસંદ કરતા નથી.
આવું એટલા માટે પણ બની રહ્યું છે કેમ કે એપ્રિલમાં પહલગામમાં પાકિસ્તાનના આશરામાં રહેલા આતંકીઓએ 26 માસૂમોના જીવ હણી નાખ્યા હતા. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ હતી. સત્તાવાર રીતે યુદ્ધની જાહેરાત તો ન્હોતી કરાઈ પરંતુ બન્ને છેડેથી ગોળીબાર, એરસ્ટ્રાઈક થયા હતા. ભારતે પાકિસ્તાનને ક્યારેય ન ભૂલાય તેવો પાઠ પણ ભણાવ્યો હતો. `ઓપરેશન સિંદૂર’ થકી ભારતે પાકિસ્તાનને બરબાદ કરીને રાખી દીધું હતું.
આટઆટલી નારાજગી છતાં ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચરમવા માટે તૈયાર થઈ જતાં લોકો વિફર્યા હતા જેની અસર હવે ટિકિટબારી ઉપર જોવા મળી રહી છે. જે મેચની ટિકિટ કાળાબજાર થકી મળતી હતી એ મેચ માટે ટિકિટ વેચાઈ રહી નથી.
બીજું કારણ એવું પણ હોઈ શકે કે પાકિસ્તાનની ટીમ હવે એ દરજ્જાની રહી નથી જેવી પહેલાં હતી. ભારતે પાછલી પાંચ વ્હાઈટ બોલ ગેમમાં એકતરફી રીતે પાકિસ્તાનને હરાવ્યું હતું. એકંદરે હવે પાકિસ્તાન ભારતને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી લોકો પૈસા ખર્ચીને આ મેચ જોવા ગ્રાઉન્ડ પર જઈ રહ્યા નથી.
ACC-ICC ટૂર્ના.માં આપણે પાક. સામે રમવું જ પડશેઃ IPL ચેરમેન
આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે કહ્યું કે સરકારે પાકિસ્તાન સાથે રમત-ગમતના સંબંધને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સરકારે કહ્યું છે કે ACC અને ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ રમવું પડશે. ભારત ક્યારેય પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ટૂર્નામેન્ટ રમશે નહીં.
