મણિપુરના કુકી બહુમતી ચુરાચાંદપુર જિલ્લામાં 13 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે રસ્તા પર ઉભા કરાયેલા સુશોભન સ્ટ્રક્ચર્સને ગુરુવારે રાત્રે અસામાજિક તત્ત્વોએ તોડી પાડ્યા હતા. લાકડીઓથી સજ્જ આ જૂથોએ વડાપ્રધાન નું હેલિકોપ્ટર જ્યાં ઉતરવાનું છે તે હેલિપેડ નજીકના બે સ્થળોએ તોડફોડ કરી. નોંધનીય છે કે મે 2023માં કુકી-ઝો અને મૈતેઈ સમુદાયો વચ્ચે થયેલી જાતિય હિંસા બાદ મોદી પ્રથમ વખત મણિપુર મુલાકાત લેવાના છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક ઉપદ્રવીઓએ તોડેલા સ્ટ્રક્ચર્સને આગ લગાડતા નજરે પડે છે. અન્ય એક વીડિયોમાં પોલીસકર્મી નિષ્ક્રિય ઉભો રહીને આ ઘટનાને જોતો હોવાનું જોવા મળ્યું હતી. આ ઘટનાઓ ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડથી લગભગ 2 કિમી દૂર બની, જ્યાં મોદી સંબોધન કરવાના છે. આ પછી તેઓ ઇમ્ફાલના કાંગલા ફોર્ટ ખાતે બીજા સભાજનોને સંબોધશે.
મુલાકાતને આવકાર પણ નૃત્ય કાર્યક્રમનો વિરોધ
આ પહેલાં, કુકી ઇન્પી મણિપુર અને ઇમ્ફાલ હમાર વિસ્થાપિત સમિતિ જેવા કુકી-ઝો સંગઠનોએ વડાપ્રધાનની આ મુલાકાતને “લાંબા સમયથી બાકી” મુલાકાત ગણાવી સ્વાગત કર્યું હતું. જોકે, તેમણે સત્તાવાર કાર્યક્રમમાં નૃત્ય કાર્યક્રમનો સમાવેશ કરવાનો વિરોધ કર્યો હતો. સંગઠનોએ નિવેદનમાં જણાવ્યું કે “અમારો શોક પૂર્ણ થયો નથી, અમારા આંસુ સુકાયા નથી, અમારા ઘા રૂઝાયા નથી. અમે આનંદથી નૃત્ય ન કરી શકીએ.”
