રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તમે નિહાળી શકશો ‘ચંદ્રગ્રહણ’,અદભૂત અવકાશી ઘટના નિહાળવા માટે ખાસ આયોજન
કાલે તારીખ 7 સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ આખા ભારતમાં દેખાશે. ભાદરવા સુદ પૂનમને રવિવાર તારીખ 7 સપ્ટેમ્બરના રાત્રે ચંદ્રગ્રહણ થશે આ ચંદ્ર ગ્રહણ આખા ભારતમાં દેખાવાનું છે ત્યારે રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે નિહાળો વર્ષ 2025 નું પૂર્ણ ચંદ્રગ્રહણ “પૃથ્વી નો બ્લડ-મૂન” 7 સપ્ટેમ્બર, 2025ની રાત્રે અદભૂત અવકાશી ઘટના નિહાળવા મુલાકાતીઓ માટે આકાશદર્શનનું આયોજન કારવામાં આવ્યું છે.
અદભૂત અવકાશી ઘટના જેને “બ્લડ મૂન” તરીકે ઓળખવામાં આવે
સપ્ટેમ્બર 2025 એ ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓ માટે એક આકર્ષક મહિનો છે, જેમાં વર્ષ 2025 નું અંતિમ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે અને અદભૂત અવકાશી ઘટના જેને “બ્લડ મૂન” તરીકે ઓળખવામાં આવે છે, તે સમગ્ર ગુજરાતમાં દેખાશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે અદ્યતન ટેલિસ્કોપ દ્વારા મંત્રમુગ્ધ કરનાર બ્લડ મૂન નિહાળવા માટે આકાશદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. ટેલિસ્કોપ દ્વારા ચંદ્રની સપાટી, તેના ખાડા અને લાલાશ વધુ સ્પષ્ટ અને સુરક્ષિત રીતે જોઈ શકાય. આકાશદર્શન ઉપરાંત મુલાકાતીઓને ગ્રહણ, પૂર્ણ ગ્રહણ તથા ચંદ્રનો રંગ કેમ લાલ દેખાય છે?, બ્લડ મૂન જોવા માટેની ટિપ્સ વગેરે ખગોળશાસ્ત્રની ઘટના વિશે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રહણને લગતી ગેરમાન્યતાઓ અંગે પણ માહિતી આપવામાં આવશે.
ભારતમાં 7 સપ્ટેમ્બરની રાત્રે શરૂ થશે અને 8 સપ્ટેમ્બરની સવાર સુધી ચાલુ રહેશે
આ ગ્રહણ ભારતમાં 7 સપ્ટેમ્બરની રાત્રે શરૂ થશે અને 8 સપ્ટેમ્બરની સવાર સુધી ચાલુ રહેશે. તેની શરૂઆત 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:58 કલાકે થશે. બ્લડ મૂન રાત્રે 11 થી 12:22 વાગ્યા સુધી વધુ ઘેરો લાલ જોવા મળશે. તેની સમાપ્તિનો સમય 8 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 1:25 કલાકનો રહેશે. એટલે કે, આ દૃશ્ય પાંચ કલાક થી વધુ સમય માટે રહેશે. આમાંથી, ચંદ્ર 82 મિનિટ સુધી સંપૂર્ણપણે લાલ દેખાશે. આ બ્લડ મૂન ખાસ છે. કારણ કે તે લાંબા ગાળાનો હશે અને ખૂબ મોટા વિસ્તારમાં દેખાશે, પરંતુ ખુલ્લા આકાશ અને સ્વચ્છ હવામાન વાળા શહેરોમાં આ દૃશ્ય સૌથી અદભુત હશે.
આ અદભૂત ઘટના નિહાળવા તથા તેના વિષે રસપ્રદ માહિતી જાણવા રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ સૌ ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓને આવકારે છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ કાર્યરત છે. જે વિજ્ઞાન ને લગતી જુદી જુદી ૬ થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે, ઉપરાંત ગેલેરી વાઈઝ ભિન્ન-ભિન્ન ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક દિવસો ની ઉજવણી, તથા આઉટરીચ કાર્યક્રમો ના આયોજન થી આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે.
