ટ્રમ્પના નામની માળા જપતાં ભારતીય મતદારો હવે ક્યાં ગાયબ થઈ ગયા? અમેરિકાના ભારતવંશી સાંસદ રો ખન્નાના ચાબખા
ભારતવંશી અમેરિકન સાંસદ રો ખન્નાએ ભારત ઉપર 50 ટકા ટેરિફ લાદીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ, તેમણે ટ્રમ્પને સમર્થન આપનાર ભારતવંશી અમેરિકન મતદારોને તેમના મૌન અને નિષ્ક્રિયતા બદલ આડે હાથે લઈને ખુલ્લેઆમ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા આહ્વાન કર્યું હતું.
યુએસ-ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ રો ખન્નાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, “ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધા છે, જે ચીન અને બ્રાઝિલ કરતાં પણ વધુ છે. આ ટેરિફ ભારતના ચામડા અને કાપડની નિકાસને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેમજ અમેરિકન ઉત્પાદકો અને ભારતમાં થતી અમેરિકન નિકાસને પણ અસર કરી રહ્યા છે.”
તેમણે આ નીતિઓને ભારત-અમેરિકા સંબંધોના 30 વર્ષના દ્વિપક્ષીય પ્રયાસોને નષ્ટ કરનારી ગણાવી હતી. ખન્નાએ ટ્રમ્પના અહંકાર પર પ્રહાર કરતાં કહ્યું કે અમે ટ્રમ્પના અહંકારને કારણે ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધોને નષ્ટ થવા દઈ શકીએ નહીં. આ સંબંધો એ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે કે અમેરિકા આગળ રહે, નહીં કે ચીન.
તેમણે ભારતવંશી અમેરિકનોને પણ આડે હાથ લેતા પૂછ્યું કે જ્યારે ટ્રમ્પ ભારત સાથેના સંબંધોને નષ્ટ કરી રહ્યા છે ત્યારે ટ્રમ્પ અને મત આપનાર ભારતવંશી અમેરિકનો આજે ક્યાં છે ? ખન્નાના જણાવ્યા અનુસાર ભારત પર આટલા ઊંચા ટેરિફ લાદવાનું મુખ્ય કારણ એ છે કે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઈઝ માટે નામાંકન આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે પાકિસ્તાને આવું કર્યું. ખન્નાએ ટ્રમ્પની નીતિઓને “ફાઈવ-એલાર્મ ફાયર” એટલે કે અસાધારણ કટોકટી ગણાવી અને આ નીતિઓ ભારતને ચીન અને રશિયા જેવા દેશોની નજીક ધકેલી રહી હોવાની ચેતવણી આપી હતી.
ખન્નાના નિવેદનોને ભારતવંશી ઉદ્યોગપતિ વિનોદ ખોસલાના એક પોસ્ટ સાથે જોડવામાં આવ્યા છે, જેમાં ખોસલાએ જણાવ્યું હતું કે જો ટ્રમ્પ ક્યારેય નોબેલ જીતશે, તો હું નોબેલ કોણ જીતે છે તેની ચિંતા કરવાનું બંધ કરી દઈશ. તે એક કલંકિત એવોર્ડ બની જશે. ખન્નાએ ભારતવંશી અમેરિકનોને આગળ આવીને ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા આહ્વાન કરી અને ભારત-અમેરિકા સંબંધોને બચાવવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂર હોવાનું જણાવ્યું હતું.
