હવે વિઝા પણ નકલી! સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, આ રીતે આરોપી બનાવતો હતો નકલી વિઝા સ્ટિકર
અત્યાર સુધી નકલી સરકારી ઓફિસ, નકલી પોલીસ, નકલી અધિકારીઓ કે પછી નકલી દસ્તાવેજો અંગે બધાએ સાંભળ્યું છે પરંતુ સુરતના અડાજણ વિસ્તારમાંથી તો નકલી વિઝા આપતી ફેક્ટરી પકડાઈ છે. પોલીસે આ સ્થળે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી કેટલાક દેશોના વિઝાના નકલી સ્ટીકર મળી આવ્યા હતા. પોલીસે આ અંગે પ્રતિક શાહ નામના એક શખસની ધરપકડ પણ કરી છે. આ શખસે અત્યાર સુધીમાં ક્યા એજન્ટ મારફત કેટલા લોકોને નકલી વિઝા આપીને છેતરપિંડી કરી છે તેની પોલીસ વિગત મેળવી રહી છે.
આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતાં. પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે. પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો તેવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :વીજ બીલમાં મળશે રાહત : ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો, રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને થશે લાભ
10 વર્ષના સમયગાળા દરમિયાન 700 જેટલા બોગસ સ્ટીકર બનાવ્યા
પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આરોપીએ 10 વર્ષના સમયગાળા દરમિયાન 700 જેટલા બોગસ સ્ટીકર બનાવ્યા છે. આ બોગસ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જઈ ચૂક્યા છે. પોલીસ હાલમાં આ લોકો કોણ છે તેની તપાસ કરી રહી છે. આ કેસમાં છ એજન્ટોને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને સાત દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટિકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો.
પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં રેડ પાડીને પ્રતિક શાહની ધરપકડ કરી છે જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી લેપટોપ, જુદા-જુદા દેશોના વિઝા સ્ટિકર્સ અને અન્ય પરચુરણ સામગ્રી મળીને કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એક સ્ટીકરના 15 હજાર રૂપિયા લેતો હતો પ્રતિક
પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ, ઓરીજનલ લાગે તેવું જ સ્ટીકર બનાવવા માટે પ્રતિક શાહ ઝીણવટભર્યું કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને સાત દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટિકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો. આરોપી બોગસ સ્ટિકર્સ બનાવવા માટે જરૂરી હોલમાર્કવાળા પેપર ઓનલાઈન ખરીદતો હતો. ત્યારબાદ તે લેપટોપ અને અન્ય સાધનોની મદદથી એડિટિંગ કરી, કલર પ્રિન્ટરથી પ્રિન્ટ કાઢી અને સ્ટિકરના આકારમાં કટિંગ કરીને બોગસ વિઝા સ્ટિકર બનાવતો હતો. આ સ્ટિકર્સ તે કુરિયર મારફતે એજન્ટોને મોકલી આપતો હતો.આવું એક સ્ટીકર બનાવવાના બદલામાં તે 15 હજાર રૂપિયા લેતો હતો તેવું પણ તપાસમાં બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં આવા ૭૦૦ સ્ટીકર બનાવ્યા છે અને તેમાંથી ઘણા લોકો વિદેશ પણ જતા રહ્યા છે.
આરોપી કેવી રીતે નકલી વિઝા સ્ટિકર બનાવતો?
હોલમાર્કવાળા પેપર અલીબાબા સાઈટ પરથી ઓનલાઈન ખરીદતો.
લેપટોપ અને અન્ય સાધનોની મદદથી પેઈન્ટમાં એડિટિંગ કરતો
કલર પ્રિન્ટ કાઢી સ્ટિકરના આકારમાં કટિંગ કરી વિઝા સ્ટિકર બનાવતો.
સ્ટિકર બનાવવા બારીકાઈથી કામ કરતો
એક સ્ટિકર બનાવવામાં 7 દિવસનો સમય લાગતો
સ્ટિકર્સ કુરિયર મારફત એજન્ટોને મોકલી આપતો હતો
