ગાંધીનગરમાં ફરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ : બોલીવૂડ સ્ટાર્સનો થશે જમાવડો, કરન જૌહર-વિક્રાંત મેસીની હાજરીમાં MoU થયા
70મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા હતા.આ ફિલ્મફેર એવોર્ડ 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં આયોજિત થશે તેવું સુત્રોએ જણાવ્યું છે.

ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા
આ MOUપર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા.મુખ્યમંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ફિલ્મ ફેર ટ્રોફી-બ્લેક લેડીનું અનાવરણ કર્યું હતું.

ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન
ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યો છે, તે સંદર્ભમાં આ MOU સાઈનીંગ અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી ભીખૂ સિંહ પરમાર, મુખ્યમંત્રીશ્રી અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી, તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વીનિત જૈન, ટાઇમ્સ ગ્રુપના ડાયરેક્ટર રોહિત ગોપાકુમાર, લોકપ્રિય હિંદી ફિલ્મ મેકર કરણ જોહર તથા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા.

MOU મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતમાં 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ MOU મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, ગુજરાત કોન્સર્ટ ઈકોનોમીનું પણ એક મોટું સેન્ટર બની રહ્યું છે. એક લાખની બેઠક ક્ષમતા ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે જ દર્શાવે છે કે અમદાવાદ મોટા કોન્સર્ટનું આયોજન કરવા માટે કેપેબલ છે.

આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ બનશે. કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને સોમનાથ તથા દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બિચ જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળોને ફિલ્મફેર એવોર્ડ્સ હાઇલાઇટ કરશે.

આ પ્રસંગે ટાઇમ્સ ગ્રૂપના એમડી વિનીત જૈને કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં બીજીવાર ફિલ્મ ફેર એવોર્ડ-૨૦૨૫નું સફળ આયોજન થવા જઈ રહ્યું છે.

ફિલ્મ ડિરેક્ટર કરણ જોહરે કહ્યું હતું કે, ગત વર્ષે મને ગુજરાતમાં ૬૯માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તે માટે અને આ વર્ષે ફરીથી 70માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવા માટે હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું.

અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું હતું કે, ‘લેન્ડ ઓફ કલ્ચર’ તરીકે ઓળખાતા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં મારા મિત્રો હોવાને પરિણામે મને આ રાજય પ્રત્યે વિશેષ લાગણી છે. મારી કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ પણ મને ગુજરાતની ધરતી ઉપર ગત વર્ષે ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં મળ્યો હતો અને આગામી વર્ષે પણ ગુજરાત ફિલ્મ ફેર એવોર્ડનું યજમાન બન્યું છે, તે મારા માટે ગૌરવ સમાન છે.
