સંમતિથી સેક્સ કર્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરવો એ દુષ્કર્મ નથી : સુરત કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, યુવક નિર્દોષ જાહેર
સુરતમાં દુષ્કર્મના કેસ મામલે કોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે અને રેપકેસના આરોપીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ ચુકાદો બચાવ પક્ષની દલીલને સ્વીકારીને આપ્યો છે કે ‘ત્રણ વર્ષ સુધી સંમતિથી સબંધ બાંધ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરવો એ દુષ્કર્મ કહેવાઈ નહીં. તેમજ સેશન્સ કોર્ટે યુવકને નિર્દોષ ઠેરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. ત્યારે ચાલો જાણીએ શું છે આ મામલો
શું છે મામલો?
ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે ત્રણ વર્ષ જૂના બળાત્કાર કેસમાં આરોપી યુવકને નિર્દોષ જાહેર કર્યો છે અને તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ મામલો જુલાઈ 2022નો છે. જ્યાં યુવતી દ્વારા યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજે સુરત સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો સાંભળાવીને આરોપીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

BBA છોકરીએ ફરિયાદ નોંધાવી
સુરતના ડિંડોલીની એક BBA છોકરીએ કતારગામમાં M.Tech અભ્યાસ કરતા એક યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આવ્યું હતું કે યુવકે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની સાથે મિત્રતા કરી અને તેને લગ્નની લાલચ આપી અને છોકરી સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા. બાદમાં તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી.
આરોપીએ ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો નથી
બચાવ પક્ષના વકીલ અશ્વિન જે. જોગડિયાએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદી છોકરી સાથે કોઈપણ પ્રકારનો બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો નથી. આ ફરિયાદ પ્રેમ સંબંધ તૂટવાના કારણે દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના નિર્ણયને ટાંકીને તેમણે દલીલ કરી હતી કે જો લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધવાનો આરોપ છે, તો તે બળાત્કાર નથી. કોર્ટે આ દલીલ સ્વીકારી અને યુવકને નિર્દોષ જાહેર કર્યો.
ફરિયાદી પોતે શિક્ષિત છે : કોર્ટ
કોર્ટે વધુમાં કહ્યું કે ફરિયાદી પોતે શિક્ષિત છે અને પોતાના સારા-ખરાબને સમજી શકે છે. છોકરી અને છોકરો અલગ-અલગ જાતિના હોવાથી, છોકરા અને તેની માતાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, છોકરીએ આરોપી સાથેના સંબંધો ચાલુ રાખ્યા. છોકરીએ છોકરા સાથે જતી વખતે કોઈપણ દબાણ વિના હોટેલ અને રેસ્ટોરન્ટને પોતાના ઓળખપત્ર આપ્યા હતા. તેથી, તેના પર કોઈ દબાણ નહોતું.
સુનાવણી દરમિયાન ગર્ભપાતના પુરાવા રેકોર્ડ પર આવ્યા
છોકરીએ આરોપ લગાવ્યો હતો કે છોકરા સાથેના સંબંધોને કારણે તે ગર્ભવતી થઈ હતી, પરંતુ કેસની સુનાવણી દરમિયાન ગર્ભપાતના પુરાવા રેકોર્ડ પર આવ્યા હતા. એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે અન્ય તબીબી પુરાવાઓ ઉપરાંત, ડીએનએ રિપોર્ટ પણ છોકરી અને છોકરાના નમૂનાઓ સાથે મેળ ખાતો નથી.
છોકરીને નિમ્ફોમેનિયા જેવી માનસિક સ્થિતિ હોઈ શકે
આ ઉપરાંત, તપાસ કરનાર ડૉક્ટરની જુબાનીમાં નોંધાયું છે કે તબીબી તપાસ દરમિયાન, છોકરીએ કહ્યું હતું કે તેણીએ 30 થી 35 વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે બચાવ પક્ષને શંકા હતી કે છોકરીને નિમ્ફોમેનિયા જેવી માનસિક સ્થિતિ હોઈ શકે છે. છોકરીની તબીબી તપાસ કરનાર ડૉક્ટરે બચાવ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે સ્ત્રીઓમાં ઘણીવાર પુરુષો કરતાં સેક્સ કરવાની ઇચ્છા વધુ હોય છે. આ એક પ્રકારની માનસિક સ્થિતિ માનવામાં આવે છે.
