રાજકોટવાસીઓ પાસે પૈસા વધી ગયા : શેરબજારના રોકાણમાં દેશના ટોપ-10 જિલ્લામાં અવ્વલ
આપણી આસપાસ મંદીની વાતો ભલે થતી હોય પરંતુ શેરબજારમાં રોકાણ કરવામાં કોઈ ગુજરાતી પાછો પડતો નથી તેવું આંકડા ઉપરથી જાણી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે, ગત જુલાઈ મહિનામાં તો ગુજરાતમાં નવા 1.20 લાખ રોકાણકારો ઉમેરાયા છે અને તેમાં પણ આનંદની વાત એ છે કે સક્રિય રોકાણકારોમાં દેશના ટોપ-10 જિલ્લામાં રાજકોટ, અમદાવાદ અને સુરતને સ્થાન મળ્યું છે. અને તેમાં પણ ગ્રોથની દ્રષ્ટીએ આ 10 જિલ્લામાં રાજકોટ પ્રથમ નંબરે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા જણાવાયા અનુસાર, ગુજરાતમાં જુન માસમાં 68 હજાર રોકાણકારો વધ્યા હતા પરંતુ જુલાઈમાં ડબલ જેવા થઇ ગયા છે.
આ અહેવાલ અનુસાર, રાજયમાં જુલાઈ માસમાં 1.2 લાખ નવા રોકાણકાર નોંધાયા હતા જે જૂનમાં 68000 હતા. નેશનલ સ્ટોક એકસચેંજના આંકડા મુજબ ગુજરાત નવા રોકાણકારમાં ફરી નંબર-વન બની ગયું છે અને તેમાં અમદાવાદ-સુરત-રાજકોટ દેશના ટોચના 10 જીલ્લાઓમાં સ્થાન ધરાવે છે અને તે પણ એકટીવ ઈનવેસ્ટરની દ્રષ્ટિએ આગળ છે.
ભારતમાં મહારાષ્ટ્ર 22.6 લાખ રોકાણકારો સાથે મોખરે છે. જ્યાં દેશના કુલ રોકાણકારોના 17 ટકા છે. જૂન મહિનાથી તેમાં ત્રણ ટકા વધારો હતો. ગુજરાતમાં 29.2 ટકા માસિક વૃદ્ધિ સાથે 19.5 લાખ રોકાણકારો થયા છે. જે દેશના કુલ રોકાણકારોના 14.7 ટકા છે. ઉત્તર પ્રદેશમાં 12 લાખ રોકાણકારો છે. જુલાઈ 2025 માં વેપાર કરનારા તમામ વ્યક્તિગત રોકાણકારોમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશનો હિસ્સો 40 ટકાથી વધુ હતો. ટોચના 10 રાજ્યોમાં 76 ટકા રોકાણકારો છે.
NSE રિપોર્ટ મુજબ જુલાઈમાં ઓછામાં ઓછા એક વખત ટ્રેડિંગ કરનારા વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા જૂનથી 8.4 ટકા વધીને 40.8 લાખ થઈ ગઈ. મુંબઈ 10.1 લાખ સક્રિય રોકાણકારો સાથે આગળ છે. દિલ્હી એનસીઆર 9.6 લાખ રોકાણકારો સાથે બીજા ક્રમે છે, જે 1.7 ટકાનો વધારો દર્શાવે છે.
અમદાવાદમાં 27.1 ટકાનો વધારા સાથે ત્રીજા નંબરે છે. સુરતમાં 23 ટકાનો વધારો નોંધાયો છે. રાજકોટ ટોચના 10 જિલ્લાઓમાં સૌથી વધુ વૃદ્ધિ સાથે આગળ રહ્યું હતું. જે માસિક 42.3 ટકાનો ઉછાળો દર્શાવે છે. જોકે, ટોચના 1૦ જિલ્લાઓમાં જૂન મહિનાની સરખામણીએ ટ્રેડિંગ ટર્નઓવર જુલાઈમાં 6.7 ટકા ઘટીને કુલ રૂ. 6.4લાખ કરોડ રહ્યું હતું.
