રાજકોટની તિજોરી કચેરીમાં કર્મચારીઓની અનિયમિતતા : ઉડાવ જવાબથી અરજદારો હેરાન-પરેશાન
રાજકોટની બહુમાળી ભવનમાં આવેલી તિજોરી કચેરી હાલમાં પેન્શનરો અને સ્ટેમ્પ સંબંધિત કામકાજ માટે આવતા નાગરિકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. કચેરીમાં કેટલાક કર્મચારીઓ નિયમિત સમયસર ન આવતાં હોવાની રાવ ઉઠી છે અને મનમાનીના કારણે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.

તિજોરી કચેરીમાં સવારે 11.50 સુધી કર્મચારીઓ ડોકાયા ન હતાં જેની તસ્વીર એક જાગૃત નાગરિકએ સોસિયલ મીડિયામાં વાયરલ કરી હતી.આ બાબતે આ અરજદારનું કહેવું હતું કે,હું સ્ટેમ્પ માટે બે દિવસથી આવું છું પણ અહીં અમારું કામ સમયસર થતું નથી, મોડેથી આવીએ તો અમુક કર્મચારીઓ ઉડાવ જવાબ આપે છે. જ્યારે આ વિશે તિજોરી કચેરીનાં અધિકારીએ ખુલાસો આપ્યો હતો કે, કર્મચારીઓ 10.30 વાગ્યે આવી જાય છે.
જ્યારે આ અરજદાર આવ્યા હોય ત્યારે કોઈ ઉચ્ચ અધિકારીએ કર્મચારીઓને મિટિંગમાં બોલાવ્યા હોય અથવા હાજરી પુરવા ગયા હોય તેમ જણાવ્યું હતું. જો કે હયાતીના પ્રમાણપત્ર રજૂ કરવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજના પેન્શનરો કચેરીમાં હાજરી આપે છે. પરંતુ કર્મચારીઓની ઉદાસીનતા કારણે તેમને પણ હેરાનગતિ થાય છે સ્ટેમ્પ શાખામાં ચલણ ભરાવવા માટે રોજ લાંબી લાઈનો સર્જાય છે. અરજદારનું કહેવું છે કે કર્મચારીઓ સમયસર ચલણ આપતા નથી, જેના લીધે પછી બેંકમાં ભારે ભીડ ઉભી થાય છે.
