દારૂબંધી માત્ર કાગળ પર : માંગો એ મોંઘેરી બ્રાન્ડ હાજર! રાજકોટમાં મકાનમાંથી ‘મિનિ વાઈનશોપ’ ઝડપાઇ
રાજકોટમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય તે રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાથી દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે હવે તો ‘મિનિ વાઈનશોપ’ જ પકડાઈ જતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જવા પામી છે. શહેરના પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી નં.3માં ખોડિયાર ઓટો સર્વિસ સામે આવેલા મકાનમાં એક હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધીના ભાવની દારૂની અલગ-અલગ 32 બ્રાન્ડનો 26 લાખનો દારૂ પીસીબીને રેઢો મળી આવ્યો હતો.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા, PSI પી.બી.ત્રાજિયા સહિતની ટીમે ઉપરોક્ત વિસ્તારમાં આવેલું મકાન કે જે ધર્મેશ સાવલિયાના નામનું છે. ત્યાં દરોડો પાડીને તલાશી લેતાં શિવાસ રીગલ, જગર માસ્ટર, દિવાર્સ, જેક ડેનીયલ, મંકી સોલ્ડર, એક્સ્યુલેટ, વૂડનોટ, મહારામાણી માનેસર, જેમસન, જોની વોકર, ટીચર, રોયલ રણથંભોર સહિતની અલગ-અલગ 32 બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. મહત્તમ દારૂ ઉપર ‘ફોર સેલ ઈન હરિયાણા’ લખેલું હોવાથી આ દારૂ અન્ય પ્રાંતમાંથી રાજકોટ લાવવામાં આવ્યો હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે આ દારૂ અભિષેક વિપુલભાઈ ઠાકર નામના શખસે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે પરંતુ દરોડા વખતે તે હાજર મળી આવ્યો ન્હોતો. અભિષેક છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં ‘માંગો એ બ્રાન્ડ હાજર’ પ્રમાણે દારૂનો વેપલો કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે ત્યારે તે પકડાયા બાદ આ દારૂ ક્યાંથી લાવ્યો તે વિગત સામે આવી શકશે. હાલ પોલીસે 26.68 લાખની 780 દારૂની બોટલ કબજે કરી હતી.
LCBએ સોખડા ચોકડી-દેવપરા મેઈન રોડ પરથી દારૂ-બીયર પકડયો
બીજી બાજુ ઝોન-1 LCBના PSI બી.વી.ચુડાસમા, હિતેશ પરમાર, જગદીશસિંહ પરમાર, રવિરાજ પટગીર સહિતની ટીમે દેવપરા મેઈન રોડ પર શ્રમશ્રદ્ધા ચોક પાસેથી દારૂની 60 બોટલ-ચપલા સાથે અજીત ઉર્ફે રાજા મનુભાઈ ખાચર તેમજ સોખડા ચોકડી પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામેથી મારૂતી સુઝુકી કેરી માલવાહક વાહનમાંથી દારૂ-બીયરનો દોઢ લાખથી વધુનો જથ્થો પકડી પાડ્યો હતો.
