પાકિસ્તાન સામે મેચ રદ થઈ હોત તો BCCIને થાત અબજોનું નુકસાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર નિશ્ચિત બની ગઈ છે કેમ કે સરકારે ટીમ ઈન્ડિયાને આ મેચ રમવા લીલીઝંડી આપી દીધી હતી જેના કારણે દેશભરમાં દેકારો બોલી ગયો છે. એક સમયે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. એવી માંગે જોર પકડયું હતું કે પહલગામ આતંકી બાદ આખરે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે રમવાની પરવાનગી આપવી જ શા માટે જોઈએ ? બીજી બાજુ જો આ મેચ રદ થઈ હોત અથવા થશે તો BCCIને કરોડો રૂપિયાનું નુકસાન જશે તેવી વાત પણ સામે આવી છે.
BCCIના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આગલા ચાર એશિયા કપ માટે બ્રોડકાસ્ટિંગ રાઈટસ એટલે કે પ્રસારણના અધિકાર 170 મિલિયન ડોલરમાં અગાઉથી જ વેચવામાં આવ્યા છે. આ રકમ 1500 કરોડ રૂપિયા જેવી થાય છે. BCCIને આટલી મોટી રકમ ભારત-પાકિસ્તાન મેચ રમાય તો જ મળી શકે તેમ છે. અહેવાલો પ્રમાણે ભારત-પાકિસ્તાન આ મુકાબલો BCCIને તગડી કમાણી કરીને આપે છે
મેચમાં 10 સેકન્ડની જાહેરાતનો એક સ્લોટ 25-30 લાખ રૂપિયામાં વેચાય છે. જ્યારે અન્ય મેચ માટે આ રકમ અડધાથી પણ ઓછી થઈ જાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારત-પાકિસ્તાન મેચ BCCI માટે તગડો નફો રળી આપે છે એટલા માટે જો એશિયા કપ-2025ની મેચ રદ્દ કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને અબજો રૂપિયાનું નુકસાન જાય તેમ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન મેચ પર ઘમાસાણ વચ્ચે ભારત સરકાર નવી નીતિ લઈને આવી છે. નવી નીતિ હેઠળ ભારત કોઈ પણ રમતમાં દ્વિપક્ષીય શ્રેણી પાકિસ્તાન સાથે રમશે નહીં અને આ પ્રકારની શ્રેણી માટે પાકિસ્તાની ખેલાડીઓને ભારત પણ આવવા દેશે નહીં.
