RMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાંસદ સહિતને જમીન કપાત સામે વળતર, બગીચા શાખાની કામગીરીના ‘ભેદી’ ભાવની દરખાસ્ત પેન્ડિંગ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિકાસકાર્યોની 63.21 કરોડની 48 દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી જ્યારે સાંસદ રામભાઈ મોકરિયા સહિતના અસરગ્રસ્તોને કપાતના બદલામાં વળતર આપવા, બગીચા શાખાની કામગીરીના ‘ભેદી’ ભાવ સહિતની ચાર દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે શીતલ પાર્કવાળો રસ્તો પહોળો કરવા માટે સાંસદ સહિત આઠથી વધુ લોકોની જમીન કપાતમાં ગઈ હોય તેમને વળતર આપવાની દરખાસ્ત સળંગ બીજી વખત પેન્ડીંગ રાખવામાં આવી છે. આ અંગે હજુ વધુ અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશે. આ ઉપરાંત બગીચા શાખા હસ્તકની ઝોનલ કામગીરીઓ માટે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત એજન્ડામાં સામેલ હતી પરંતુ તેમાં ઈસ્ટ અને વેસ્ટ ઝોનના ભાવની તુલનાએ સેન્ટ્રલ ઝોનમાં ભાવ વધુ જણાતાં તેને પણ પેન્ડીંગ રાખવામાં આવી છે.
જ્યારે સાઉથ કોરિયા સ્થિત “ઈક્લિ’ નામની સંસ્થા સાથે મહાપાલિકાનો કરાર કરવા સહિતની દરખાસ્ત પર નિર્ણય લેવા માટે પાંચ કોર્પોરેટર અને બે અધિકારીની કમિટી અભ્યાસ કરી તેનો રિપોર્ટ આપે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત મંજૂર થયેલી દરખાસ્તોમાં રેસકોર્સ આર્ટ ગેલેરીમાં ભાવ ઘટાડો, આઠ નવા રેસ્ક્યુ વ્હીકલ ખરીદવા, કોટેચા ચોક સહિતનું સર્કલ ડેવલપ કરવા સહિતની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
63.21 કરોડની 48 દરખાસ્તને બહાલી
મ્યુનિ. સેક્રેટરી એચ.પી. રૂપારેલિયાને ‘અરજન્ટ’માં કમિશનરના હવાલે કરાયા
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક અરજન્ટ બિઝનેસ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી જેમાં મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા એચ.પી.રૂપારેલિયાએ કમિશનર બ્રાન્ચના હવાલે કરવાનું મંજૂર કરાયું હતું. આ પાછળ જેટલા મોઢા એટલી વાતો થઈ રહી હતી જેમાં આગામી સમયમાં નાયબ મ્યુનિ.કમિશનરની નિમણૂક કરવામાં આવનાર હોય તેમાં રૂપારેલિયા ‘ફિટ’ બેસતા હોવાથી તેમને છૂટા કરાયા હોવાનું તો અમુક લોકો શાસકો સાથે સંકલન’ ન થઈ રહ્યાને કારણે તેમને કમિશનર હેઠળ મુકવામાં વાતો બાજુ ઈન્ચાર્જ સેક્રેટરી તરીકે ધવલ જેસડિયાની પસંદગી કરવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
