30 દિવસ જેલમાં રહે તો PM, CM,મંત્રી ઘરભેગા થશે : ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બિલ રજૂ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં પીએમ-સીએમ અને મંત્રીઓને દૂર કરવા માટે એક મહત્વનું બિલ રજૂ કર્યું હતું. આ બિલ હેઠળ, જો વડા પ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઈપણ મંત્રીની ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય છે, 30 દિવસ જેલમાં રહે છે તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે. અમિત શાહે બંધારણ (130મો સુધારો) બિલ, 2025, કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારો) બિલ, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2025 રજૂ કર્યા હતા. આ બિલોને લઈને ગૃહમાં ઘણો હોબાળો થયો હતો. બિલ અંગે અમિત શાહે કહ્યું કે બિલને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવશે. એ જ રીતે તોફાન બાદ બિલને જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું.

બંધારણના 130મો સુધારો બિલ રજૂ કરતી વખતે, વિપક્ષી સાંસદોએ બિલની નકલ ફાડીને ગૃહમંત્રી તરફ ફેંકી દીધી હતી. આ સમયે માર્શલ દોડીને શાહની નજીક આવી ગયા હતા . વિપક્ષી સાંસદોએ શાસક પક્ષની બાજુમાં ટ્રેઝરી બેન્ચ તરીકે ઓળખાતી જગ્યાને ઘેરી લીધી અને ગૃહમંત્રીનું માઈક ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે ઘણો હોબાળો થયો અને ગૃહની અંદરની પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ગૃહમંત્રીના બચાવમાં આવીને શાસક પક્ષના ઘણા સાંસદોએ પણ વિપક્ષી સાંસદોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. શાસક પક્ષ તરફથી રવનીત બિટ્ટુ, કમલેશ પાસવાન, કિરેન રિજિજુ, સતીશ ગૌતમે ગૃહમંત્રી પાસે સૂત્રોચ્ચાર કરી રહેલા આક્રમક સાંસદોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
અમિત શાહે કહ્યું , 30 દિવસની અંદર જામીન મળે તો પદ પર રહેશે
આ ખરડો લોકસભામાં રજૂ થયા બાદ ગૃહ મંત્રી અમિત શાહે એમ કહ્યું હતું કે દેશમાં રાજનીતિમાં નૈતિકતા લાવવાના હેતુથી જ આ બિલ લાવવામાં આવ્યું છે. મોદી સરકાર ભ્રષ્ટાચાર સામે પ્રતિબધ્ધ છે. હવે જેલથી પીએમ કે સીએમ સરકાર ચલાવી શકશે નહિ. એમણે કહ્યું કે, 30 દિવસની અંદર જામીન મળી જવા જોઈએ, પણ જો ના મળે તો પદ છોડવાનું રહેશે, જામીન મળે તો પદ પર પાછા આવી શકશે.
130મો બંધારણ સુધારો બિલ 2025
બંધારણ હેઠળ, હાલમાં ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલ અને અટકાયતમાં લેવામાં આવેલા મંત્રીને દૂર કરવાની કોઈ જોગવાઈ નથી. તેથી, આવા કિસ્સાઓમાં વડા પ્રધાન અથવા કેન્દ્રીય મંત્રી પરિષદના કોઈપણ મંત્રી અને રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મુખ્યમંત્રી અથવા મંત્રી પરિષદના કોઈપણ મંત્રીને દૂર કરવા માટે કાનૂની માળખું બનાવવા માટે બંધારણની કલમ 75, 164 અને 239-એએમાં સુધારો કરવાની જરૂર છે. તેથી જ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 (2019 નો 34) હેઠળ, ગંભીર ગુનાહિત આરોપોને કારણે ધરપકડ કરાયેલ અને અટકાયતમાં લેવામાં આવેલા મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરવાની કોઈ જોગવાઈ નથી, તેથી આવા કિસ્સાઓમાં મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરવા માટે કાયદો બનાવવા માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 54 માં સુધારો કરવાની જરૂર છે.
