અમદાવાદ-મુંબઇ વચ્ચે વધુ એક ‘વંદે ભારત’ ટ્રેન મળે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 1લી ઓક્ટોબરના રોજ લીલીઝંડી બતાવી અમદાવાદ-મુંબઇ વચ્ચે ‘વંદે ભારત એક્સ્પ્રેસ’ ટ્રેન સર્વિસની શરૂઆત કરાવી હતી. મુસાફરો તરફથી વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના પગલે હવે ટૂંક સમયમાં અમદાવાદ- મુંબઇ વચ્ચે હવે વધુ એક ‘વંદે ભારત’ ટ્રેન શરૂ થાય તેવી શક્યતા છે.
પશ્ચિમ રેલવેના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ-મુંબઇ વચ્ચે મુસાફરોની વધતી સંખ્યા અને ‘વંદે ભારત’ ટ્રેનને મુસાફરો તરફથી મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખતા આ રૂટ પર વધુ એક વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
એક અહેવાલ મુજબ અમદાવાદ-મુંબઇ વચ્ચે દ૨રોજ સરેરાશ 30 હજાર મુસાફરોની અવર-જવર થતી હોય છે. હાલ આ મુસાફરો માટે 20થી વધુ ટ્રેનના વિકલ્પ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે મોટાભાગની ટ્રેનમાં વધારે વેઇટિંગ જોવા મળતું હોય છે. ખાસ કરીને મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર વચ્ચેની ‘વંદે ભારત’ એક્સપ્રેસ, શતાબ્દિ એક્સપ્રેસ જેવી સુપર ફાસ્ટ ટ્રેનમાં મુસાફરોનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. હાલમાં શતાબ્દિ એક્સપ્રેસ કરતાં પણ ‘વંદે ભારત’ ટ્રેનને મુસાફરો વધુ પસંદ કરી રહ્યા છે.
જે મુસાફરો અગાઉ બાય રોડ કે ફ્લાઇટ દ્વારા અમદાવાદ-મુંબઇ વચ્ચે અવર-જવર કરતાં તેઓ હવે વંદે ભારત ઉપર પસંદગી ઉતારી રહ્યા છે. આ પ્રતિસાદને કારણે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઇ વચ્ચે વધુ એક ‘વંદે ભારત’ શરૂ કરવા વિચારણા થઇ રહી છે. દિવાળી સુધીમાં આ નવી ટ્રેન શરૂ થાય તેવી પણ સંભાવના છે.
હાલ ‘વંદે ભારત એક્સ્પ્રેસ’ ટ્રેન ગાંધીનગરથી બપોરે 2.05 વાગ્યે, અમદાવાદથી બપોરે 3 વાગ્યે રવાના થઇને રાત્રે 8.25 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચે છે. મુંબઇ સેન્ટ્રલથી સવારે 6 વાગ્યે રવાના થઈને વંદે ભારત એક્સ્પ્રેસ સવારે 11.25 વાગ્યે અમદવાદ અને બપોરે 12.25 વાગ્યે ગાંધીનગર પહોંચે છે.
