રાજકોટની સોખડા ચોકડી પાસે રાખડી બાંધવા જતી મારવાડી યુનિ.ની બહેનોને નડ્યો અકસ્માત : બસ પલટી જતા 4 વિદ્યાર્થિનીઓ ઘાયલ
રાજકોટ શહેરમાં રક્ષાબંધનના પર્વના દિવસે એક ગોઝારી ઘટના થતાં અટકી હતી. મારવાડી યુનિવર્સિટીની છાત્રાઓ કુવાડવા સ્થિત હોસ્ટેલથી કોલેજમાં રક્ષાબંધનની ઉજવણી કરવા જઈ રહી હોય દરમિયાન સોખડા ચોકડી પાસે અચાનક ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતાં બસ પલટી મારી ગઇ હતી આ ઘટનામાં 4 વિધાર્થીઓને ઇજા પહોંચતા 108 મારફતે પ્રથમ કુવાડવા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે આ ઘટનામાં છાત્રાઓને સામાન્ય ઇજા પહોંચી હતી અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

વિગતો મુજબ, માલિયાસણ ગામની ક્રિષ્ના હોસ્ટેલમાં રહેતી મારવાડી યુનિવર્સિટીની 30થી વધુ વિદ્યાર્થીનીઓ શનિવારે સવારે રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે કોલેજ કેમ્પસમાં બસ મારફતે જઈ રહી હોય દરમિયાન બેડી ચોકડીથી આગળ સોખડા ચોકડી નજીક બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રેલિંગ સાથે અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો દ્વારા તુરંત જ વિદ્યાર્થીનીઓને બસમાંથી બહાર કાઢીને 108 મારફતે કુવાડવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ ગ્રીષ્મા દયાકર પોતલા (ઉ.વ. 17), ચંદ્રીકા શંકર (ઉ.વ. 17), શ્રુતિ રત્નાગીરી (ઉ.વ. 17) અને બિસંગની રામાવત (ઉ.વ. 13) નામની છાત્રાઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં એક વિદ્યાર્થીનીને માથામાં ઇજા પહોંચી હોય જેથી તબીબો દ્વારા 6થી વધુ ટાકા લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રેલવેની નવી ઓફર : ટ્રેનમાં ટ્રેનમાં આવવા-જવાની ટિકિટ બુક કરવા પર મળશે 20% ડિસ્કાઉન્ટ
અકસ્માત સ્થળે પણ લાંબો ટ્રાફિક જામ થતા પોલીસ કાફલો દોડી જઇ વાહનોની લાંબી કતારો દૂર કરાવી હતી. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટીના સંચાલકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા બસના ડ્રાઈવર પર પુરપાટ ઝડપે બસ ચલાવવાનો આક્ષેપો કર્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
