રાજકોટના લોકમેળામાં ડ્રોન અને AIથી ક્રાઉડ કંટ્રોલ થશે : અઘોરી ગ્રુપ,રાજભા ગઢવી સહિતના કલાકારો કરશે જમાવટ,15 લાખની જનમેદની ઉમટશે
રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળામા ગત વર્ષે કડક એસઓપીને લઈ છેલ્લી ઘડી સુધી દોડધામ બાદ પણ રાઈડસની મંજૂરી આપવામાં ન આવતા લોકમેળો રાઈડસ વગરનો રહ્યો હતો. જો કે, આ વર્ષે રાજ્ય સરકારે એસઓપીમાં છૂટછાટ આપી હોવા છતાં પણ લોકમેળા આડે હવે માત્ર સાત જ દિવસ બાકી રહ્યા હોવા છતાં ખાનગી કે રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળામાં રાઈડસ લગાવવા પ્લોટ મેળવનાર ધંધાર્થીઓ હજુ સુધી પોલીસમાં એનઓસી માટે અરજી જ ન કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ
એક સમયે મેળો યોજાશે કે નહીં તેવા સવાલ વચ્ચે આગામી જન્માષ્ટમી પર્વે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વર્ષોના અંતરાલ બાદ આ વર્ષે લોકમેળાના પાંચે -પાંચ દિવસ દરમિયાન દરરોજ નામાંકિત કલાકારોના કાર્યક્રમ ગોઠવવાની સાથે જ સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડવા પણ આયોજન કર્યું હોવાનું જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જાહેર કરી લોકમેળામાં ભીડ નિયંત્રણ માટે એઆઈ ટેક્નોલોજી અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર પરંપરાગત લોકમેળાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું જણાવી જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, લોકમેળામાં ખાલી રહેતા સ્ટોલ માટે ધંધાર્થીઓને વધુ એક તક આપવામાં આવતા હવે ફક્ત 24 સ્ટોલ જ ખાલી રહ્યા છે જે પણ મેળો શરૂ થાય તે પહેલા ભરાઈ જશે.વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, લોકમેળામાં આ વર્ષે ક્રાઉડ કંટ્રોલ માટે ડ્રોન અને AIટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.સાથે જ NDRF, SDRF અને કવિક રિસ્પોન્સ ટીમને પણ તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં દરરોજ વપરાશે 1000 કિલોવોટ વીજળી : સમિતિએ મેળામાં ઝળહળાટ માટે માંગ્યા 22 કનેક્શન
વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, લોકમેળાના પાંચે -પાંચ દિવસ દરમિયાન સૌરષ્ટ્રના નામાંકિત કલાકારો દરરોજ સાંજના 4થી 7 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પીરસશે જેમાં તા.14ના રોજ અઘોરી ગ્રુપ, તા.15ના રોજ અલ્પા પટેલ, તા.16ના રોજ રજુ જાદવ, તા.17ના રોજ રાજભા ગઢવી અને તા.18ના રોજ અનિરુદ્ધ આહીર ગ્રુપ જમાવટ કરશે. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉભરતા 50 કલાકારોને પણ લોકમેળામાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.નોંધનીય છે કે, લોકમેળાના ઉદઘાટન કાર્યક્ર્મથી લઈ મેળાના અંતિમ દિવસ સુધીમાં અલગ-અલગ 34 કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલમાં તડાકો બોલ્યો : વધુ 75 ધંધાર્થીઓ મેદાને આવ્યા
જિલ્લા કલેકટરે અંતમાં જણાવ્યું હતું કે, લોકમેળામાં ઇવેકશન પ્લાન પણ તૈયાર કરી કોઈપણ આપદા માટે તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે સાથે જ અલગ અલગ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટને કોમ્યુનિકેશન માટે વોકીટોકી આપવામાં આવશે. હાલમાં મોટાભાગના ટેન્ડર ફાઇનલ થઇ ગયા છે જેમાં સિક્યુરિટી, ડ્રોન અને એડવર્ટાઈઝમેન્ટ માટેના ટેન્ડર જ બાકી હોવાનું જણાવી લોકમેળામાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ફાયરની સંયુક્ત કવિક રિસ્પોન્સ ટીમની પણ રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
વાહનચોરીના બનાવો અટકાવવા દરરોજ અલગ રંગની પહોંચ
લોકમેળા દરમિયાન રેસકોર્સ મેદાનની નજીક અલગ અલગ સ્થળોએ લોકોને નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં દર વર્ષે વાહનચોરીના બનાવો બનતા હોય આ વર્ષે દરેક પાર્કિંગમાં લોકમેળાના પાંચ દિવસ દરમિયાન લોકમેળા સમિતિ દ્વારા દરરોજ અલગ અલગ રંગની પહોંચ આપવામાં આવશે જે પહોંચ બતાવ્યા બાદ જ પાર્કિંગમાંથી વાહન બહાર નીકળી શકશે.
