‘દોસ્ત-દોસ્ત’ કહીને ટ્રમ્પે પીઠમાં ખંજર ભોંક્યુ : ભારત ઉપર 25% ટેરિફની જાહેરાત, જાણો દેશમાં કોને પડશે ફટકો ?
વિશ્વભરમાં ટેરિફનું તોફાન જગાવીને અનેક દેશોના અર્થતંત્રને ઉપરતળે કરી નાખનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ માટેની પહેલી ઓગસ્ટની ડેડલાઈન પહેલાં જ બુધવારે ભારતથી આયાત થનારી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી હતી. ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરીને પણ આ જાણકારી આપવામાં આવી હતી. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતિ પર સહમતી બની શકી નથી ત્યારે અમેરિકાએ અન્ય દેશોની જેમ ભારત સામે પણ આક્રમક વલણ અપનાવ્યું છે અને ટ્રમ્પે ‘દોસ્ત-દોસ્ત’ કહીને પીઠમાં ખંજર ભોંકી દીધું છે. ટ્રમ્પે એવું એલાન પણ કર્યું હતું કે, પહેલી ઓગસ્ટથી ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ લાગશે અને સાથોસાથ પેનલ્ટી પણ લાગશે. રશિયા સાથે સૈન્ય સામગ્રી અને તેલ ખરીદવા બદલ દંડની જાહેરાત કરવામાં આવી છે. જો કે ઓગસ્ટના બીજા સપ્તાહ પછી ફરીવાર આ મુદ્દા પર વાતચીત પણ શરૂ થઈ શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

વધુ એક વખત યુદ્ધવિરામનો શ્રેય લીધો
ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધવિરામનો શ્રેય લીધો હતો. તેમણે કહ્યું, “ભારત અને પાકિસ્તાને મારી વિનંતીથી યુદ્ધ બંધ કર્યું. મેં અને પાકિસ્તાને આ મામલે ઘણું કામ કર્યું.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે ભારતે પ્રાદેશિક સ્થિરતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.જો કે યુદ્ધ વિરામ માં ના ટ્રમ્પના મધ્યસ્થીના દાવાને ભારતે ફગાવી દીધો છે. મંગળવારે સંસદમાં ઓપરેશન સિદૂરની ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ, ટ્રમ્પના નામ નો ઉલ્લેખ કર્યા વગર, વિશ્વના કોઈ દેશે મધ્યસ્થી ન કરી હોવાનું જણાવ્યું હતું.

શું કહ્યું ટ્રમ્પે?
ટ્રમ્પે ૨૫ ટકા ટેરિફ લાદીને એમ કહ્યું હતું કે, ભારત અમારો મિત્ર દેશ છે પણ ત્યાં ટેરિફ સૌથી વધુ છે. પાછલા વર્ષોમાં ભારત સાથે અમારો વેપાર ઘટી ગયો છે. ભારતમાં વ્યાપાર નિયંત્રણો પણ વધારે છે. ભારત પોતાની વધુ પડતી ચીજો રશિયા પાસેથી ખરીદે છે અને ચીન સાથે પણ વેપાર કરે છે. રશિયા પાસેથી ભારત સૈન્ય સામગ્રી ખરીદે છે. યુક્રેન યુધ્ધને પગલે રશિયા સામે નિયંત્રણો લદાયેલા છે છતાં ભારત તેની પાસેથી તેલ પણ વધુ ખરીદે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે બધું જ સામાન્ય કે કુશળ નથી માટે ૨૫ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે અને તેનો અમલ 1લી ઓગસ્ટથી થઈ જશે.
આ પણ વાંચો : રાજકોટના લાખાજીરાજ રોડની બજાર ‘ફેરિયામુક્ત’ થશેઃ આજથી દબાણહટાવ કામગીરી શરૂ,3 વર્ષ બાદ વેપારીઓને સમસ્યાથી મુક્તિ મળશે

દેશમાં કોને ફટકો પડશે?
અમેરિકા દ્વારા ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે ત્યારે દેશના અર્થતંત્ર માટે ચિંતા ઉભી થઈ શકે છે અને ખાસ કરીને નિકાસકારો, ઓટોમોબાઈલ, ફાર્મા સેક્ટર તેમજ રત્ન આભૂષણ જેવા ક્ષેત્રો પર તેની ઘેરી અસર પડી શકે છે. જો કે ભારતે આ પહેલાં પણ કહ્યું હતું કે, ભારત દરેક પ્રકારની સ્થિતિનો પ્રતિકાર કરવા સક્ષમ છે.