અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પાઇલટની ભૂલની શક્યતા : ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, FAAની તપાસમાં ખુલાસો
અમદાવાદની વિમાની દુર્ઘટનાની તપાસમાં જોડાયેલ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ટીમના વડા બ્રાયન બેડફોર્ડે એ દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ફ્યુઅલ કન્ટ્રોલ સિસ્ટમમાં કોઈ આંતરિક ખામી ન હોવાનું જણાવ્યું હતું.તેમના આ નિવેદનને પગલે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘ રન ‘ થી ‘ કટઓફ ‘ પર આવી જવા માટે કદાચ પાઇલટની ભૂલ હોય તેવા નિર્દેશ પ્રાપ્ત થઈ રહ્યા છે.

એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનરની દુર્ઘટનાની તપાસ હવે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો પર કેન્દ્રિત થઈ છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રાથમિક અહેવાલમાં, ટેકઓફ પછી ટૂંક સમયમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો “રન” થી “કટઓફ” પર ફ્લિપ થઈ જવાને કારણે કારણે એન્જિનનો પાવર ખોરવાઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

દરમિયાન ગુરુવારે FAAના વડા બ્રાયન બેડફોર્ડે વિસ્કોન્સિનમાં એક એર શો દરમિયાન જણાવ્યું કે, અમે પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકીએ કે આ દુર્ઘટના ફ્યુઅલ કંટ્રોલ યુનિટમાં યાંત્રિક ખામીને કારણે નથી થઈ. તેમણે ઉમેર્યું કે FAAએ સ્વીચોની તપાસ કરી અને એરક્રાફ્ટનું નિરીક્ષણ કર્યું હતું પરંતુ અજાણતા મેનિપ્યુલેશનનો કોઈ પુરાવો મળ્યો નથી.
આ પણ વાંચો : ડિજિટલ એરેસ્ટ ગેંગનું વડું મથક કંબોડિયા: 3075 લોકો ઝડપાયા,105 ભારતીય નાગરિકોની પણ ધરપકડ
એર ઇન્ડિયાએ પણ આ અગાઉ, તમામ 787 અને 737 એરક્રાફ્ટના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકિંગ મિકેનિઝમનું સાવચેતીપૂર્વક નિરીક્ષણ પૂર્ણ કર્યા પછી કોઈ સમસ્યા જોવા ન મળી હોવાનું જાહેર કર્યું હતું.અને હવે એ દાવાને FAA ના વડાએ પણ સમર્થન આપ્યું છે.જોકે, સ્વીચો કેવી રીતે કટઓફ પોઝિશનમાં આવ્યા તે હજુ તપાસનો વિષય છે, અને પાઇલટની ભૂલની શક્યતા નકારી શકાતી નથી. બોઇંગ અને એર ઇન્ડિયાએ આ મામલે તાત્કાલિક ટિપ્પણી કરી નથી.