રાજકોટની આર.કે.પ્રાઈમ-2 બિલ્ડીંગ ગેરકાયદેસર ! ખરીદનારા અસામીઓએ ક્લેક્ટરમાં શરતભંગ અંગે કરી ફરિયાદ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ ઉપર જિલ્લા કલેકટરે રહેણાંક હેતુ માટે બિનખેતી માટે મંજૂરી આપી હોવા છતાં રાજકોટના નામાંકિત આર.કે.બિલ્ડર્સ દ્વારા હેતુફેર કરાવ્યા વગર જ મહાનગર પાલિકાના ભ્રષ્ટ તંત્રને સાધી લઇ અહીં ત્રણ માળને બદલે આઠ માળનું કોમર્શિયલ બાંધકામ ખડકી દઈ ઓફિસ ધારકો સાથે છેતરપિંડી આચરતા ઓફિસ ખરીદનાર ત્રણ અસામીઓએ બિલ્ડર વિરુદ્ધ શરતભંગના પગલાં લેવા ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ ઉપર બાલાજી હોલ નજીક આવેલ મહાપૂજાધામ ચોક પાસે આર.કે. ઈન્ફ્રાસ્પેસ એલ.એલ.પી.ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો ગૌરવ શોભરાજ સોનવાણી, લવ શોપર્સ લી. કંપનીના ડાયરેકટર સર્વાનંદ સાપુરામ સોનવાણી, કમલકુમાર સાપુરામ સોનવાણી દ્વારા આર.કે.પ્રાઈમ નામનું બહુમાળી વાણિજ્ય હેતુ માટેની કોમ્પ્લેક્સ બનાવ્યું છે જેમાં ઓફિસ ખરીદનાર નયનાબેન સુરેશભાઈ બલદાણીયા, ચંદ્રેશ ધીરૂભાઈ કપુપરા તથા હર્ષાબેન વિજયભાઈ માથુકીયાએ આર.કે. બિલ્ડર્સ દ્વારા રહેણાંક હેતુ માટેની જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરી શરતભંગ કર્યો હોય પગલાં ભરવા જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, આર.કે.પ્રાઈમ -2ના ભાગીદારોએ નાનામવાના રે.સ.નં.27, ટી.પી.સ્કીમ નં.7(નાનામવા), ઓ.પી.નં.31, એફ.પી.નં. 31/1થી 31/4ના પ્લોટ નં.1થી 7ના સબ-પ્લોટ નં. 46 અને 47 કે જે સરદાર પટેલ પાર્કના રહેણાકના હેતુ માટે મંજુર થયેલ બિનખેડવાણ પ્લોટના સબ-પ્લોટ નં. 46 અને 47ની જમીન ઉપર બિલ્ડર અને પ્રયોજકોએ બાંધકામ કરે છે. આ જમીનના બિનખેતીના હુકમમાં સ્પષ્ટ રીતે આદેશ કરવામાં આવેલ છે કે, સવાલવાળી જમીન ફકત રહેણાંકના હેતુ માટે જ બિનખેતીમાં ફેરવવાની પરવાનગી આપેલ છે. અને રહેણાંકના હેતુ સિવાય અન્ય કોઈ ઉપયોગ થઈ શકે નહીં. તેમજ કલેકટરની અગાઉની પરવાનગી લીધા વગર બીજા કોઈ હેતુ માટે કલેક્ટરે મનાઈ ફરમાવેલ છે. સાથે જ 60 ટકા જમીન ખુલી રાખવા અને ત્રણ માળથી વિશેષ ઈમારત બાંધવા સામે સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવતી શરત ફરમાવેલ છે.
આ પણ વાંચો : ભૂલ અધિકારીની, ભોગવવું પડયું રાજકોટની દોડવીરે! ભારતીય યુનિવર્સિટી ફેડરેશનના સંયુક્ત સચિવ બલજિતસિંહ સસ્પેન્ડ
જો કે, આર.કે. બિલ્ડર્સના ભગીદારોએ કલેક્ટરના હુકમનો અનાદર કરી પુર્વ પરવાનગી વગર જમીન રહેણાંકને બદલે કોમર્શીયલ બાંધકામ કરવા માટે કલેકટરની પરવાનગી લીધેલ નથી તેમજ 60 ટકા જગ્યા ખુલ્લી જગ્યા રાખ્યા વગર, ત્રણ માળની જગ્યાએ આઠ માળનું કોમર્શીયલ હેતુ માટેનું બાંધકામ ખડકી દીધેલ છે. જેને કારણે ૭ માળમાં કુલ ૭૭ જેટલા ઓફિસ દુકાન ધારકોના માલિકી હકક જોખમમાં આવી ગયા છે. અને તેના ટાઈટલ ડીડઝ ડીફેકટીવ બની ગયેલ છે.સાથે જ બિલ્ડરે ગેરકાયદેસર રીતે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાંથી પ્લાન પાસ કરાવી કોમર્શીયલ કોમ્પલેક્ષ બનાવી ઓફિસ પારકો સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલ હોય તેવું સ્પષ્ટ રીતે ફલિત થાય છે. હાલમાં આ ચકચારી બનાવામાં આર.કે.પ્રાઈમના ઓફિસ ધારક નયનાબેન સુરેશભાઈ બલદાણીયા, ચંદ્રેશ ધીરૂભાઈ કપુપરા તથા હર્ષાબેન વિજયભાઈ માથુકીયાએ બિલ્ડર સામે બિનખેતી શરતભંગના પગલા લેવા કાનુની કાર્યવાહી કરેલ છે. અરજદારો વતી વિકાસ કે. શેઠ, પ્રકાશ બેડવા, અલ્પા શેઠ, ફાતેમાં ભારમલ એડવોકેટ દરજજે રોકાયેલ છે.
