રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી
હાઈકોર્ટ દ્વારા રાજકોટ સહિત ગુજરાત પોલીસને રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકો સામે કડક હાથે કામ લઈ વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહીનો આદેશ છૂટતાં જ સોમવારથી પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી હતી. એકંદરે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ 1500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો હોય ચાલક પાસે ખિસ્સામાં રૂા.1500 હોય તો જ રોંગ સાઈડમાં નીકળવું હિતાવહ છે અન્યથા વાહન ડિટેઈન કે જપ્ત થવા સુધીની કાર્યવાહી થશે તે નિશ્ચિત છે.

રાજકોટની વાત કરવામાં આવે તો ચાર સેક્ટર પ્રમાણે ટ્રાફિક પોલીસ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે દરેક સેક્ટરમાં પીએસઆઈથી લઈ હેડ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓને રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે સાથે સાથે દરેક કર્મચારીદીઠ 10-10 કેસ કરવાનો આદેશ હોય પોલીસ આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારો ઉપરાંત હાઈ-વે ટચ માર્ગ ઉપર સવાર-સાંજ પોલીસ દ્વારા રોંગ સાઈડ વિરુદ્ધ ડ્રાઈવ કરીને દંડ વસૂલવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટની રાજકુમાર કોલેજથી લીમડા ચોક સુધી ગટરના પાણીની રેલમછેલ : માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ
સોમવારે આ પ્રકારની ડ્રાઈવ દરમિયાન 30 વાહન ચાલકો પાસેથી 48500નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે 14 વાહન ચાલકોને 22,500ના ઈ-મેમો ફટકારાયા હતા તો ત્રણ વાહનને ડિટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે સાંજે પણ ફરી ડ્રાઈવ કરીને મોટી સંખ્યામાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રત્યેક કર્મચારીદીઠ 10-10 કેસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોય ચાર સેક્ટર પ્રમાણે દરરોજ કુલ 360 કેસ કરવામાં આવી શકે છે.
કૂવાડવા-વાંકાનેર ચોકડી ઉપર ચેકિંગના નામે ઉઘરાણા બંધ કરાવવા રજૂઆત
ભાજપના રાજકોટ તાલુકા પ્રમુખ કેયુર જયંતીલાલ ઢોલરિયા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરતા જણાવાયું છે કે કૂવાડવા-વાંકાનેર ચોકડી ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગના નામે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકો, મજૂરો, ખેડૂતો સામાન્ય કામે તેમજ દવાખાના બાબતે અહીંથી અવર-જવર કરતા ગભરાઈ રહ્યા છે. ટ્રાફિકના નામે સામાન્ય લોકો પાસેથી પૈસાના ઉઘરાણા કરી હેરાન કરવામાં આવી રહ્યા છે. આ રોડ પર રાજકોટ તાલુકાના 30 ગામના નાના લોકો મજૂરી માટે અવર-જવર કરતા હોય હેરાનગતિ ભોગવી રહ્યા છે. અહીં સર્વિસ રોડ એકદમ ટૂંકો હોય એટલે ટ્રાફિક પોઈન્ટ બંધ કરવો જરૂરી છે અન્યથા ગ્રામજનો, આગેવાનો તેમજ સરપંચ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.