જાતીય સતામણીની ટેવ ધરાવનારા રોમિયો ચેતજો! 7 મોટા રેલવે સ્ટેશન ઉપર ગુનેગારોને ઓળખવા AIનો થશે ઉપયોગ
રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં મહિલાઓની થતી જાતીય સતામણી રોકવા માટે એક નવો પ્રયોગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત અમદાવાદ અને મુંબઈ સહિત દેશના સાત રેલવે સ્ટેશન ઉપર ગુનેગારોને ઓળખી કાઢવા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ સુવિધા અમદાવાદ ઉપરાંત સી.એસ.ટી. મુંબઈ, નવી દિલ્હી , બેંગ્લોર, ચેન્નાઈ, પુના અને હાવડા સ્ટેશન ઉપર ઉભી કરવામાં આવશે.

આ રેલવે સ્ટેશનો ઉપર એ.આઈ.ના ઉપયોગથી ચહેરાઓની ઓળખ કરવામાં આવશે. આ એ. આઈ. નેશનલ ડેટાબેઝ ઓન સેક્સ્યુઅલ ઓફેન્ડર્સની યાદી સાથે જોડવામા આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, AI સિસ્ટમને રેલવે સ્ટેશનો પર સ્થાપિત CCTV કેમેરા સાથે જોડવામાં આવશે.આ સીસ્ટમ સીસીટીવીની સહાયથી ચહેરાની ઓળખ મેળવશે. દેશમાં સેક્સ્યુઅલ ઓફેન્ડર્સની સંખ્યા 20 લાખથી વધુ છે. આમ કરવા પાછળનો હેતુ પ્લેટફોર્મ ઉપર પ્રવેશ કરતા અથવા ટ્રેનમાં મુસાફરી કરતા આવા ગુનેગારોને ટ્રેક કરવાનો છે. ગૃહ મંત્રાલયે દેશભરના સાત મુખ્ય સ્ટેશનો પર આ પાયલોટ રોલઆઉટને મંજૂરી આપી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ : નારિયેળના વૃક્ષ સાથે અથડાયા બાદ એરક્રાફ્ટ કોલેજ પર પડતા 19 લોકોના મોત, 164 ઈજાગ્રસ્ત
મહિલા વકીલ સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને પગલે આ પહેલ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને જાહેર પરિવહન કેન્દ્રોમાં મહિલાઓ માટે સુરક્ષા વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અરજીમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ અને ઓછા દોષિત ઠેરવવાના દરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ચહેરાની ઓળખ ઉપરાંત, સેફ સિટી પ્રોજેક્ટમાં સ્માર્ટ લાઇટિંગ, ઇમરજન્સી કોલ બોક્સ, ઓટોમેટેડ નંબર પ્લેટ ઓળખ અને ડ્રોન જેવા AI સર્વેલન્સ ટૂલ્સની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ પગલાં મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત અનેક મેટ્રોપોલિટન શહેરોમાં લાગુ કરવામાં આવી રહ્યા છે.
.