રાજકોટના પીધેલા યુગલે થાર કાર સાથે જેતપુર હાઈ-વે પર મચાવ્યો ઉત્પાત : ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો કર્યો પ્રયાસ
રાજકોટના કાગવડ રોડ પરના મોટામવા રહેતા યુગલ અંકિત જયંતીભાઈ પરમાર તથા નયનાએ નશાખોર હાલતમાં ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરી પોલીસને 20 કિલોમીટર સુધી દોડાવી જેતપુર હાઈ-વે પર ફિલ્મીદૃશ્યો સાથે ઉત્પાત મચાવ્યાનો બનાવ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. પીધેલા બુટલેગર યુગલની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

શું છે સમગ્ર મામલો?
પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગત સાંજના રાજકોટ રૂરલ ટ્રાફિક પોલીસ જેતપુર હાઈ-વે પર ચોકી નજીક પેટ્રોલિંગમાં હતી એ સમયે પૂર ઝડપે કાળા કાચવાળી બ્લેક કલરની થાર કાર આવતી હતી જે અટકાવવા ટ્રાફિક પોલીસે પ્રયાસ કર્યો હતો. કારચાલક કાર અટકાવવાના બદલે પોલીસમેન મહેશભાઈ રતિલાલ સોઢાતર પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. મહેશભાઈ સાઈડમાં થઈ જતાં કારનું વ્હિલ પગ પર ચડયું હતું અને કાર લઈને આરોપી અંકિત તથા નયના ભાગ્યા હતા. કાર લઈને નાસેલા યુગલનો પોલીસે પીછો કર્યો હતો. અન્ય પોલીસને પણ એલર્ટ કરાઈ હતી. પીઠડિયા ટોલનાકાએ જી.જે.01-ડબલ્યુ.સી.0301 નંબર થાર કારને રોકી હતી. કાર ચાલકને નીચે ઉતાર્યો હતો. બાજુમાં બેઠેલી યુવતીને પણ નીચે ઉતારી હતી. બન્નેએ પોતાના નામ અંકિત પરમાર તથા નયના પોસ સમક્ષ જણાવ્યા હતા. અંકિતના મોંમાં પીધેલાની વાસ આવતી હોય પોલીસ બ્રેથ એનેલાઈઝરથી ચેક કરી રહી હતી.

એ દરમિયાન નયના કારની ડ્રાઈવિંગ સીટ પર બેસી ગઈ હતી. ટોલનાકાથી થોડે આગળ કાર લઈને અંકિતને ઈશારો કરીને બોલાવ્યો હતો. બન્ને ફરી કારમાં નાસી છૂટ્યા હતા. પોલીસે પાછો પીછો કર્યો હતો. આગળ વીરપુર પોલીસને પણ એલર્ટ કરાતા કાર વીરપુર નજીક પોલીસે આંતરી હતી. બન્નેની પોલીસે તપાસ કરતાં બન્ને પીધેલા હતા.
આરોપી યુગલને જેતપુર તાલુકા પોલીસ મથકે લઈ અવાયું હતું. કોન્સ્ટેબલ મહેશભાઈ સોઢાતરે બન્ને વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને બન્નેની ધરપકડ કરાઈ હતી. બન્નેને તપાસનીશ પીઆઈ એ.એમ. હેરમા તથા સ્ટાફે કાર્યવાહી સાથે કાયદાનું ભાન કરાવ્યું હતું. ઈજાગ્રસ્ત પોલીસમેનને સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ‘કિંગ’ના સેટ પર શાહરૂખ ખાન થયો ઘાયલ : એક્શન સીનનું શૂટિંગ દરમિયાન ઇજા થતા અમેરિકા સારવાર માટે રવાના, જાણો કેવી છે તબિયત

પોલીસની પ્રાથમિક તપાસમાં અંકિત સામે દારૂ, મારામારી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. બુટલેગર હોવાની પોલીસને વિગતો મળી છે. બન્ને પાટણવાવ તરફ ફરવા ગયા હતા. જૂનાગઢમાં મદિરાપાન કર્યાનું તપાસનીશ પોલીસ સમક્ષ કથન કર્યું હતું.
અન્ય વાહનોના ચાલકોના જીવ પણ તાળવે ચોંટયાઃ ફિલ્મી દૃશ્યો
જૂનાગઢ તરફથી આવતી થાર કાર જેતપુર ચોકીથી વીરપુર સુધીના 20 કિલોમીટર જેવા નેશનલ હાઈ-વે પર અસંખ્ય વાહનચાલકો, પોલીસના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. પીધેલી હાલતમાં રહેલા યુગલે પોલીસથી બચવા કાર પૂર ઝડપે હંકારી હતી. અત્યારે જેતપુર નેશનલ હાઈ-વે પર ચિક્કાર ટ્રાફિક હોય છે. વાહનોના થપ્પા લાગેલા હોય છે. આવી સ્થિતિમાં પણ થાર કાર ફૂલસ્પીડે ભાગતી હતી. પાછળ પોલીસ પીછો કરતી હતી. આવા ફિલ્મીદૃશ્યોએ અન્ય વાહનચાલકોને ડરાવી દીધા હતા.