સેનાની ત્રણેય પાંખને અતિ આધુનિક શસ્ત્રો માટે 7800 કરોડના બજેટ અને મંજૂરી
નવા એર બેઝ ઉભા થશે, ચીન અને પાકને જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી
ભારતના પાડોશીઓના નકારાત્મક પરાક્રમો અને ભારત વિરોધી પ્રવૃત્તિ નજરમાં રાખીને સેનાને વધુ ઘાતક અને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું લીધું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ભારતીય સૈન્યની ત્રણેય પાંખને વિવિધ શસ્ત્ર-સામગ્રી આપવા માટે ૭૮૦૦ કરોડ રૂપિયાના બજેટને મંજૂર કરી દીધું છે.
ભારતીય સૈન્યની ત્રણેય પાંખની જુદીજુદી પડતર માગણી હવે પૂરી થશે. પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત સૈન્યની શક્તિમાં વધારો કરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે. આ રકમમાંથી વાયુસેના માટે હેલિકોપ્ટર્સ ખરીદાશે ને નૌકાદળ માટે પણ હેલિકોપ્ટર્સ સહિતની શસ્ત્રસામગ્રી લેવામાં આવશે. તે ઉપરાંત ભૂમિદળની લાઈટ મશીન ગનની માગણી પણ આ બજેટમાંથી પૂરી થશે.
બીજી તરફ લદાખ સરહદે ન્યોમામાં અગાઉ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવાયું હતું તેને હવે એરબેઝ તરીકે જ વિકસિત કરાશે. તેનાથી ચીનની લશ્કરી ગતિવિધિને જડબાતોડ જવાબ મળશે.
દરમિયાન ભારત-ચીનની સરહદે લદાખના ન્યોમામાં એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવાયું હતું. હવે તેને એરબેઝ તરીકે વિકસિત કરવામાં આવશે. ચીન સાથે સરહદે વિવાદ ચાલી રહ્યો છે અને ચીન તેની હદમાં એલએસી સરહદે નવા નવા બાંધકામો કરી રહ્યાંના અહેવાલો આવતા રહે છે ત્યારે ભારતે સરહદે જડબાતોડ જવાબ આપવા માટે ન્યોમામાં એરબેઝ બનાવવાની જાહેરાત કરી છે.
ચીનની સરહદથી ૩૫ કિમી દૂર ન્યોમામાં લેન્ડિંગ ગ્રાઉન્ડ બન્યું હતું. એક લેન્ડિંગ ગ્રાઉન્ડ ચીનની હદથી ૧૪ કિમી દૂર ફૂકચે અને એ સિવાયનું જીબીઓમાં કે જે માત્ર ૯ કિમી દૂર છે ત્યાં બન્યું હતું. હવે ન્યોમામાં કાયમી ધોરણે એરબેઝ બનશે એટલે સરહદે ચીનને જવાબ આપવા માટે જરૂર પડયે લડાકુ વિમાનો ગરજી ઉઠશે. એરબેઝ બન્યા બાદ રફાલ, સુખોઈ, તેજસ જેવા વિમાનો તૈનાત રાખવામાં આવશે.