ભારતમાં છેલ્લા 5 વર્ષમાં વિમાનના એન્જિન બંધ થઈ જવાની 65 ઘટના : 17 મહિનામાં 11 Mayday ડિસ્ટ્રેસ કોલ નોંધાયા
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉડાન દરમિયાન એન્જિન ફેલ્યરની 65 ઘટનાઓ નોંધાઈ છે.એ ઉપરાંત વિમાન ઉપર ગંભીર ખતરો હોવાના સમયે જ કરવામાં આવતા મેડે ડિસ્ટ્રેસ કોલની સંખ્યા પણ ચિંતાજનક છે.છેલ્લા 17 મહિનામાં આવા 11 કોલ નોંધાયા હતા.
આ માહિતી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા રાઈટ ટુ ઈન્ફોર્મેશન હેઠળ જાહેર કરવામાં આવી હતી.આ આંકડામાં એર ઈન્ડિયાના લંડન જતા AI-171 ફ્લાઈટના 12 જૂને અમદાવાદમાં થયેલા ક્રેશ અને ઈન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઈટના ડાયવર્ઝનનો સમાવેશ થતો નથી. સદભાગ્યે આ દરેક ઘટનામાં પાયલટસ વિમાનોને સલામત રીતે લેન્ડ કરાવવામાં સફળ રહ્યા હતા પરંતુ નિષ્ણાંતોએ કેટલીક ઘટનાઓ નિયંત્રણ બહાર પણ જઈ શકે છે તેવી ચેતવણી આપી છે.

]
DGCAના જણાવ્યા અનુસાર એન્જિન ફેલ્યરની ઘટનાઓ ટેકઓફ અને મિડ-એર દરમિયાન નોંધાઈ હતી. 2020 થી અત્યાર સુધીમાં 65 એન્જિન શટડાઉનની ઘટનાઓ નોંધાઈ હતી જેમાં તમામ વિમાનો બીજા એન્જિનની મદદથી સુરક્ષિત રીતે ઉતર્યા હતા. આ ઘટનાઓના કારણોમાં ફ્યુઅલ સંબંધિત સમસ્યાઓ અને મિકેનિકલ ખામીઓનો સમાવેશ થાય છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સના પ્રેસિડન્ટ કેપ્ટન સી. એસ. રંધાવાના જણાવ્યા અનુસાર એન્જિન શટડાઉનના મુખ્ય કારણોમાં ફ્યુઅલ ફિલ્ટરમાં અવરોધ, ફ્યુઅલમાં પાણીની ભેળસેળ, એન્જિનમાં ફ્યુઅલ સપ્લાયમાં વિક્ષેપ અને એન્જિનમાં બાહ્ય વસ્તુઓનું પ્રવેશનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, આવી સમસ્યાઓ વૈશ્વિક સ્તરે અસામાન્ય નથી, પરંતુ ભારતમાં આવી ઘટનાઓની સંખ્યા ચિંતાજનક છે. અહેવાલમાં જણાવ્યા મુજબ 1 જાન્યુઆરી, 2024થી 31 મે, 2025 સુધી, ભારતીય હવાઈ ક્ષેત્રમાં 11 મેડે કોલ નોંધાયા. આમાં મોટાભાગના કિસ્સાઓ ટેકનિકલ ખામીઓને કારણે હતા, જેમાં ઈમરજન્સી લેન્ડિંગની જરૂર પડી હતી. આમાંથી ચાર ફ્લાઈટ્સ હૈદરાબાદમાં ઉતરી હતી.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં કાર્ગો સેવા થશે શરૂ : ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને થશે મોટી રાહત
આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા ચેકિંગ શરૂ કરાયું
અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ 787ના ક્રેશ બાદ, DGCAએ બોઈંગ 787 ડ્રીમલાઈનર અને B737 વિમાનો ચલાવતી તમામ એરલાઈન્સને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના લોકિંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ વિમાનો એર ઈન્ડિયા ગ્રૂપ, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ દ્વારા ઓપરેટ થાય છે. બીજી તરફ અમદાવાદની દુર્ઘટના બાદ ઈતિહાદ એરવેઝ અને સિંગાપોર એરલાઈન્સ સહિતની આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે તેમના વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના લોકિંગ મિકેનિઝમની તપાસ શરૂ કરી છે.