ડિસેમ્બર સુધીમાં રાજકોટ-જેતપુર હાઈવેનું જેટલું કામ પુર્ણ થશે એટલો રોડ શરૂ કરાશે : કલેકટર ઓમપ્રકાશ
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી હોવાની ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા બારીકાઈ સાથે મોનીટરીંગ શરૂ કરાયું છે ત્યારે મંગળવારે જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશે અચાનક જ રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેના વિવિધ ઓવરબ્રિજના કામોનું રૂબરૂ નિરીક્ષણ કરી પ્રગતિ હેઠળના કામની સ્થળ ઉપર જ હાઇવે ઓથોરિટી સાથે સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં રોડનું જેટલું કામ પુર્ણ થશે એટલો રસ્તો ખુલ્લો મુકાશે.

જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશ મંગળવારે સવારે ગોંડલ નજીક ગોમટા પાસે ચાલતા ઓવરબ્રિજના પ્રગતિ હેઠળના કામોના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ તકે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેનેજર અશોક ચૌધરી પાસેથી વિવિધ કામોની વિગતવાર માહિતી મેળવી હતી.

તેમણે વર્તમાન કામગીરીની સમીક્ષા કરીને તેનો અહેવાલ બનાવીને, કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે ખૂટતું માનવબળ, બાંધકામ સામગ્રી તેમજ મશીનરી કામે લગાડવા સૂચના આપી હતી. આ કામગીરી ચાલુ છે ત્યાં સુધી વાહન-વ્યવહાર સરળ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા પણ સૂચના આપી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે વીરપુર પાસે એક ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવાયો હોવાનું કહ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં કાર્ગો સેવા થશે શરૂ : ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને થશે મોટી રાહત

સાથે જ ખૂબ જ ટૂંક સમયમાં ગોંડલ પાસેના નેશનલ હાઈવે પર બે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જનાર હોવાનું અને ખુલ્લા મુકવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, મુખ્યમંત્રીએ તમામ પ્રગતિ હેઠળના રોડ રસ્તાના કામોની ગુણવત્તાનું મોનીટરીંગ કરવા અને નાગરિકોને અગવડ ના પડે તે માટેની વ્યવસ્થાઓ કરવા અંગે સૂચના આપી હોય જિલ્લા કલેકટરે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓ, સંબંધિત એજન્સી, પ્રાંત અધિકારી, મામલતદાર, ટ્રાફિક પોલીસના અધિકારીઓને સાથે રાખીને રાજકોટથી જેતપુર વચ્ચેના આ 67 કિલોમીટરના સિક્સ લેન હાઈ-વેના કામનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા હાથ ધરી જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.