રાજકોટના કોટેચા, ભૂતખાના, એસ્ટ્રોન, કિસાનપરા સહિતના 8 ચોકમાં મુકાશે ટ્રાફિક સિગ્નલ : મનપાનો નિર્ણય
રાજકોટની વસતી, વિસ્તાર અને વાહન એમ ત્રણેયમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં દિવસમાં એક-બે કે તેનાથી વધુ વખત ટ્રાફિકજામ ન થતો હોય. આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરાયા પરંતુ એક પણ પ્રયાસમાં સફળતા મળી નથી. હવે તંત્રને એવો વિચાર આવ્યો છે કે અમુક વિસ્તારો કે જ્યાં વારંવાર ટ્રાફિકજામ તેમજ અકસ્માત થઈ રહ્યા છે ત્યાં ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે તેમ છે. આ અંગે પોલીસ તંત્રએ સિગ્નલ મુકવા અભિપ્રાય આપતાં જ મહાપાલિકાએ કોટેચા ચોક, ભૂતખાના ચોક સહિતના આઠ ચોકમાં ટ્રાફિક સિગ્નલ મુકવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી દીધું છે.

જે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, ભૂતખાના ચોક, મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ચોક, કિસાનપરા ચોક, નાણાવટી ચોક, કોઠારિયા ચોકડી અને કાલાવડ રોડ પર ડી-માર્ટ ચોકનો સમાવેશ થાય છે. અહીં અત્યાર સુધી ટ્રાફિક સિગ્નલ ન હોવાને કારણે વાહનો નોન-સ્ટોપ અવર-જવર કરી રહ્યા હોવાથી અકસ્માત તેમજ ટ્રાફિકજામની નોબત આવી પડે છે. જો અહીં સિગ્નલ મુકાય તો એક સાઈડ જ ખુલ્લી થવાથી વાહનો સરળતાથી અવર-જવર કરી શકશે. અત્યારે રાજકોટમાં સિગ્નલની સંખ્યા 30 છે જે આગામી સમયમાં 38 થઈ જશે.
આ પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે! આજથી દેશમાં નવો રેલ્વે નિયમ લાગુ,આધાર OTP વગર નહીં કરાવી શકાશે તત્કાલ ટિકિટ બુકિંગ

આ ઉપરાંત પુનિતનગર, મવડી ચોકડી, રેલનગર, જડ્ડુ’સ ચોક, રામદેવપીર ચોકડી, જિલ્લા પંચાયત ચોક, જામટાવર, જ્યુબિલી ચોક, લેલન ટી-પોઈન્ટ, નાગરિક બેન્ક ચોક, અમુલ સર્કલ, ડિલક્સ ચોક અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવાની ભલામણ આવતાં મહાપાલિકા દ્વારા કેમેરા વધારવા માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કર્યું છે. એકંદરે આઠ નવા ટ્રાફિક સિગ્નલ અને 13 વિસ્તારમાં કેમેરા વધારવા પાછળ દસેક કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
