બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના 7 વર્ષના લગ્ન જીવનનો અંત : પતિ પારુપલ્લી કશ્યપ સાથે થયા ડિવોર્સ
વધુ એક સ્પોર્ટ્સ સ્ટારે ડિવોર્સ લીધાના સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે રવિવારે તેના લાંબા સમયના સાથી પારુપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરી. સાયનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી. સાયના અને પારુપલ્લીના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ લેતા હતા અને સાથે મળીને આ રમતમાં પ્રગતિ કરતા હતા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 2018 માં લગ્ન કર્યા હતા ત્યારે ડિવોર્સના સમાચારથી ફેન્સને ઝટકો લાગ્યો છે.

શું છે સમગ્ર મામલો?
સાઈના નેહવાલે રવિવારે મોડી રાત્રે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું. તેણે લખ્યું, ‘જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણો વિચાર કર્યા પછી, મેં અને કશ્યપ પારુપલ્લીએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે પોતાના અને એકબીજા માટે શાંતિ, પ્રગતિ અને રાહત પસંદ કરી રહ્યા છીએ. હું તે યાદો માટે આભારી છું અને આગળ વધતાં આગળ વધવા માટે ફક્ત શુભકામનાઓ પાઠવું છું. આ સમય દરમિયાન અમારી ગોપનીયતાને સમજવા અને આદર આપવા બદલ આભાર.’ ત્યારે તમને જણાવી દઈએ કે આ મામલે કશ્યપે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી.

બંનેની લવ સ્ટોરી
જ્યારે ગોપીચંદે 2004માં હૈદરાબાદમાં પોતાની બેડમિન્ટન એકેડેમી સ્થાપી, ત્યારે બંનેએ તેમની નીચે તાલીમ લેવાનું શરૂ કર્યું અને અહીંથી તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ. જોકે, 2018માં લગ્ન ન થયા ત્યાં સુધી દુનિયાને તેમના સંબંધો વિશે ખબર નહોતી. પારુપલ્લી કશ્યપે ESPN ને આપેલા ઇન્ટરવ્યુમાં સાયના સાથેના પોતાના સંબંધ વિશે કહ્યું, ‘તે એક સ્કૂલનો પ્રેમ હતો, નિર્દોષ અને તમારા મિત્રોને કહેવા વિશે કે તમારી એક ગર્લફ્રેન્ડ છે.
સાયના નેહવાલે 14 ડિસેમ્બર, 2018ના કર્યા હતા લગ્ન
સાયના નેહવાલે 14 ડિસેમ્બર, 2018ના રોજ કશ્યપ પારુપલ્લી સાથે હૈદરાબાદ સ્થિત તેના ઘરે લગ્ન કર્યા. લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. બંનેએ 16 ડિસેમ્બર, 2018ના રોજ હૈદરાબાદની નોવોટેલ હોટેલમાં તેમના લગ્ન રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં ખેલ જગતના વી ચામુન્ડેશ્વનાથ, કિદાંબી શ્રીકાંત, જ્વાલા ગુટ્ટા, અશ્વિની પોનપ્પા, સુધીર બાબૂ અને સિનેમા ઇન્ડસ્ટ્રીથી નાગાર્જુન, રકુલ પ્રીત સહિત અનેક ચર્ચિત ચહેરા સામેલ હતા.
સાઇનાએ ભારતમાં બેડમિન્ટનને પુનર્જીવિત કર્યું
પ્રકાશ પાદુકોણ અને પુલેલા ગોપીચંદ પછી, કોઈ પણ ભારતીય ખેલાડી વૈશ્વિક સ્તરે બેડમિન્ટનમાં પોતાની છાપ છોડી શક્યો નહીં. સાઇના નેહવાલ જ હતી જેમણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ભારતમાં આ રમતને નવું જીવન આપ્યું. ચાર વર્ષ પછી, તે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક પોડિયમ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની. આ પછી, બેડમિન્ટન ખેલાડીઓનો એક નવો પાક ભારતમાં આવવા લાગ્યો, જેઓ આ રમતમાં વિશ્વ સ્તરે દેશને ગૌરવ અપાવી રહ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં 5 કલાકમાં 2 હત્યાની ઘટના : દારૂ પીધાં બાદ માથાકૂટ થતાં છરીનો ઘા ઝીકી યુવકની હત્યા, છરીથી કાકાને પતાવી દેનાર ભત્રીજો પકડાયો
કશ્યપે ભારતીય બેડમિન્ટનની ખોવાયેલી ઓળખ પાછી લાવી
પારુપલ્લી કશ્યપ 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ચર્ચામાં આવ્યા હતા. તેઓ 2012 લંડન ઓલિમ્પિકમાં નીલુકા કરુણારત્નેને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા અને આવું કરનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યા હતા. તેમણે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તેઓ 32 વર્ષમાં આવું કરનાર પ્રથમ પુરુષ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતા. સાયના અને પારુપલ્લી ૧૯૯૭માં એક કેમ્પ દરમિયાન મળ્યા હતા.