ચૂંટણી પહેલાં રાજકોટને ‘સ્માર્ટ’ બનાવો નહીંતર અમે તમારી ઓફિસમાં બેસી જશું ! શાસકોએ અધિકારીઓના ‘ક્લાસ’ લીધા
રાજકોટમાં વિકાસ ઓછો અને વિકાસનો રકાસ વધુ થઈ ગયો હોય તેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી જવા પામી છે. શહેરમાં જ્યાં જૂઓ ત્યાં નાના-મોટા ખાડા પડી ગયા છે જેના કારણે લોકોની હાલાકીનો પાર રહ્યો નથી. એકંદરે શહેરીજનો અત્યારે મહાપાલિકાના શાસકો ઉપર માછલા ધોઈ રહ્યા હોય શાસકોએ અધિકારીઓનો ઉધડો લેવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે મહાપાલિકામાં સેન્ટ્રલ ઝોન હસ્તક આવતાં વોર્ડને નડતી દુવિધાઓનું નિરાકરણ લાવવા અધિકારીઓ-પદાધિકારીઓ વચ્ચે રિવ્યુ બેઠક મળી હતી જેમાં થોડીવાર માટે ધબધબાટી પણ બોલી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. એક તબક્કે અમુક કોર્પોરેટર દ્વારા અધિકારીઓને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે ચૂંટણી પહેલાં રાજકોટને `સ્માર્ટ’ બનાવો નહીંતર અમે તમારી ઓફિસમાં આવીને બેસી જશું…!

આ રિવ્યુ બેઠકમાં મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના દંડક મનિષ રાડિયા ઉપરાંત અલગ-અલગ સમિતિના ચેરમેન, સેન્ટ્રલ ઝોનના વોર્ડના કોર્પોરેટર તેમજ તમામ મહાપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓને તૂટેલા રોડ-રસ્તા ઝડપથી ઠીક કરવા, ખાસ કરીને લોકોને દેખાય એવી કામગીરી કરવા સહિતના મુદ્દે દોઢ કલાક સુધી શાસકો દ્વારા `ક્લાસ’ લેવામાં આવ્યા હતા.

વોર્ડ નં.7માં અત્યારે સૌથી વધુ સમસ્યા હોય કોર્પોરેટર નેહલ શુક્લ, દેવાંગ માંકડ સહિતે એક બાદ એક રજૂઆત કરી હતી જેમાં જાગનાથ વિસ્તારમાં રોડ ઓછા અને ખાડા વધુ હોય તેને બૂરવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે તે સહિતના મુદ્દે અધિકારીઓ પાસેથી `હિસાબ’ માંગવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર્વેશ્વર ચોકમાં ચાલી રહેલા કામ અંગે પણ કડક ભાષામાં પૂછવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : આજથી નવાગામ-આણંદપર બ્રિજ ભારે વાહનો માટે બંધ : માર્ગ અને મકાન વિભાગ 100 વર્ષ જુના પુલની કરશે મરામત
બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોક બ્રિજનું કામ નવેમ્બરમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા છે પરંતુ સપ્ટેમ્બરમાં ગણેશોત્સવ પહેલાં તેને પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત ડૉ.દસ્તુર માર્ગ પાસે વાહનોની અવર-જવર માટે જે ભોંયરું તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં ઝડપથી સ્ટોર્મ વોટર લાઈન બિછાવવા સહિતની કામગીરી પૂર્ણ કરવા આદેશ અપાયો હતો.
બીજી બાજુ આ બેઠકમાં ચારેક કોર્પોરેટરો અધિકારીઓ ઉપર રીતસરના બગડ્યા હોવાનું પણ ધ્યાન પર આવ્યું હતું તો સામે અધિકારીઓ દ્વારા પણ ભૌગોલિક અને કુદરતી સ્થિતિનો ખ્યાલ રાખવા જવાબ અપાયો હોવાનું જાણવા મળ્યું હતું. એકંદરે છ મહિના બાદ મહાપાલિકાની આવી રહેલી ચૂંટણીમાં લોકો પાસે મત માંગવા જેવી સ્થિતિ રહે તેની તૈયારી અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. હવે સોમવારે અન્ય ઝોનની પણ આ પ્રકારે બેઠક બોલાવાશે.
