અમે બંદોબસ્ત આપીએ છીએ તેના પૈસા તમે ચૂકવો! RMCએ ટેક્સની ‘ઉઘરાણી’ કરતાં જ પોલીસે વાંધાવચકા કાઢ્યા
ગત 28 મેએ રાજકોટ મહાપાલિકા દ્વારા શહેર પોલીસ હસ્તકની મિલકતો જેમાં પોલીસ મથક ઉપરાંત હેડ ક્વાર્ટર, ડીસીબી, સાયબર ક્રાઈમ કચેરી સહિતની મિલકતોનો 12 કરોડનો વેરો બાકી હોય તેની `ઉઘરાણી’ કરતાં જ પૈસા ચૂકવવાની જગ્યાએ પોલીસે હવે તેમાં વાંધાવચકા કાઢ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાપાલિકાએ પોલીસ પાસે વેરો ઉઘરાવ્યો તો પોલીસે રોકડું પરખાવ્યું કે અમે પણ મહાપાલિકાને બંદોબસ્ત આપ્યો છે તેના પૈસા પણ ચૂકવવા જરૂરી છે. એકંદરે હવે બન્ને તંત્રએ એકબીજા પાસે ઉઘરાણી કરવાનું શરૂ કરતાં હાલ પૂરતો 12 કરોડનો વેરો ફસાઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.

મહાપાલિકા દ્વારા પોલીસને વેરો ભરપાઈ કરવા માટે ‘યાદી’ આપ્યાના થોડા દિવસ બાદ મનપાના અધિકારીઓ તેમજ પોલીસ તંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા જેમાં ખાસ કરીને એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ મહાપાલિકાનું દર બે મહિને મળતું જનરલ બોર્ડ હોય કે પછી મહાપાલિકાને જેટલીવાર ટોળું રજૂઆત કરવા માટે આવે ત્યારે મોઢે માગ્યો બંદોબસ્ત પૂરો પાડતું આવ્યું છે. જો કે આ બંદોબસ્તની `ઉઘરાણી’ કોઈ વખત કરવામાં આવી નથી. અમદાવાદમાં આ પ્રકારે બંદોબસ્ત મંગાય એટલે પોલીસ દ્વારા મહાપાલિકા પાસેથી બિલની વસૂલાત કરાય છે પરંતુ રાજકોટમાં અત્યાર સુધી `સંબંધ’ના દાવે બધું ચાલી રહ્યું હતું. જો કે હવે મહાપાલિકાએ વેરાની ઉઘરાણી કાઢી જ છે તો હવે પોલીસ પણ અત્યાર સુધી અપાયેલા બંદોબસ્તનું બિલ તૈયાર કરીને તંત્રને આપશે જેની ચૂકવણી કરવી પડશે.
આ પણ વાંચો : રાજકોટની એનિમલ હોસ્ટેલ એટલે ‘કતલખાનું’ : પાંચ મિનિટ ઉભા ન રહી શકાય તેવી ગંદકી
આ ઉપરાંત મહાપાલિકા દ્વારા પોલીસને તેના હસ્તકની અલગ-અલગ મિલકતોનું જે લિસ્ટ અપાયું છે જેનો વેરો ભરપાઈ કરવાનો બાકી છે તે પૈકીની અમુક મિલકત પોલીસ હસ્તકની ન હોવા છતાં તેનું બિલ મોકલાયું હોય તેનો `રસ્તો’ કાઢવા પણ જણાવાયું હતું. એકંદરે પોલીસ દ્વારા હવે સરકાર પાસે વેરો ભરપાઈ કરવાની ગ્રાન્ટ તો માંગવામાં આવશે સાથે સાથે બંદોબસ્તનું બિલ પણ મહાપાલિકાને અપાશે. હવે ટૂંક સમયમાં જ આ મુદ્દે બન્ને તંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક મળશે જેમાં આ મુદ્દે ફરી ચર્ચા કરાશે.