રાજકોટ એઇમ્સમાં નવજાત બાળકો માટે NICU યુનિટ શરૂ : અધૂરા માસે જન્મેલા-નવજાત શિશુઓને ઘરઆંગણે મળશે આધુનિક સારવાર
રાજકોટ એઇમ્સમાં વિશ્વ કક્ષાની નવજાત શિશુ સંભાળ માટે એનઆઈસીયુ શરૂ થઇ છે. અધૂરા માસે જન્મેલા બાળકો તેમજ જન્મતા સાથે જ અલગ-અલગ બીમારીમાં સપડાયેલા બાળકો માટે નિયોનેટોલોજિસ્ટ ડૉ. વિમેશ પરમારની ટીમ દ્વારા વેન્ટિલેટર, કમળાની સારવાર અને કાંગારૂ મધર કેર ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી છે અને NICU શરૂ થતાની સાથે જ અધૂરા માસે જન્મેલા બે બાળકોને સઘન સારવાર બાદ નવજીવન આપવામાં આવ્યું છે.

એઇમ્સ રાજકોટ ખાતે એક અત્યાધુનિક નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) ની સફળતાપૂર્વક સ્થાપના અને કાર્યરત કર્યું છે. જેનો લાભ રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના રહેવાસીઓને મળશે. તાજેતરમાં એઇમ્સ રાજકોટના એક ફેકલ્ટી દંપતીને ગર્ભાવસ્થાના માત્ર સાડા સાતમા મહિનામાં જ ઇમરજન્સી સિઝેરિયન ઓપરેશન કરાવવું પડ્યું. તેના જોડિયા બાળકો સમય પહેલા જન્મ્યા હતા, તેમનું વજન ખૂબ ઓછું હતું અને ફેફસાંની બીમારીની સમસ્યા હતી. આ નવજાત શિશુઓને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ આપી બે મહિના સુધી, તેમને સઘન સંભાળ આપવામાં આવતા હાલમાં આ બન્ને બાળકો સ્વસ્થ છે, તેમનું વજન સતત વધી રહ્યું છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

એઇમ્સ રાજકોટ ખાતે NICUમાં નવજાત બાળકો માટે વેન્ટિલેટર, કમળાની સારવાર માટે ફોટોથેરાપી યુનિટ, ઓછા વજનવાળા બાળકો માટે કાંગારૂ મધર કેર અને અદ્યતન રિસુસિટેશન અને મોનિટરિંગ સિસ્ટમ્સ સુવિધાથી સજ્જ છે. આ બધી સેવાઓ હવે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે, હાલમાં એઇમ્સ રાજકોટ ખાતે જોધપુરમાંથી તાલીમ પામેલા નિયોનેટોલોજિસ્ટ ડૉ. વિમેશ પરમારની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ એઇમ્સમાં તાલીમ પામેલ પ્રશિક્ષિત નર્સિંગ ટીમ ચોવીસ કલાક સમર્પિત સેવા પૂરી પાડી રહી છે.
આ પણ વાંચો : રાજકોટવાસીઓને હૃદય રોગની સારવાર હવે ઘર આંગણે મળશે: સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી સેવાનો પ્રારંભ
એઇમ્સ રાજકોટ ખાતે નવજાત બાળકો માટે NICU સુવિધા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. જી.ડી. પુરી તેમજ ડેપ્યુટી ડિરેક્ટર (વહીવટ) લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શક્ય બની છે. તેમનો સતત સહયોગ, વ્યૂહાત્મક આયોજન અને ભારત અને વિદેશમાંથી અત્યાધુનિક સાધનોની ખરીદીને કારણે એઇમ્સ રાજકોટમાં નવજાત શિશુઓની સંભાળ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પહોંચી છે.પ્રો. પુરીએ જણાવ્યું હતું કે, “એઈમ્સ રાજકોટ જીવનના પહેલા શ્વાસથી જ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.