રાજ્યમાં ચાલુ વર્ષે સમયસર ચોમાસાનો સમયસર પ્રારંભ થયા બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસી રહી છે ત્યારે 1 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 303 મીમી એટલે કે, 34.36 ટકા વરસાદ વરસ્યો છે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર રિપોર્ટ મુજબ રાજ્યમાં ચોમાસાના અંદાજિત 15 દિવસમાં જ સચરાચર મેઘકૃપાથી રાજ્યના 206 પૈકી 21 જળાશયો હાઇએલર્ટ ઉપર છે જેમાં 15 ડેમ 100 ટકા છલોછલ ભરાઈ ગયા છે. કુલ 31 ડેમો એલર્ટ ઉપર છે.

રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર રિપોર્ટ મુજબ રાજ્યમાં વર્ષાઋતુ 2025 દરમિયાન 1 જુલાઇ સુધીમાં કુલ 303.09 મીમી વરસાદ વરસ્યો છે જેમાં કચ્છ અને ઉત્તરગુજરાતની તુલનાએ સૌરાષ્ટ્ર, મધ્યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં 35થી 37 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ખોટ હોવાનું આંકડા જણાવી રહ્યા છે. બીજી તરફ 1લી જુલાઈ 2025ના રોજ રાજ્યના 2026 પૈકી 21 હાઇએલર્ટ, 12 એલર્ટ ઉપર અને 12 વોર્નિંગ હેઠળ હોવાનું જાહેર કરાયું છે. રાજ્યના 15 જળાશયો 100 ટકા છલોછલ ભરેલા છે જેમાં સૌરાષ્ટ્રના 12 ડેમોનો સમાવેશ થાય છે.

હાલમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોતા સમગ્ર રાજ્યમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમોને અલગ અલગ જિલ્લામાં તૈનાત કરવામાં આવી હોવાની સાથે એનડીઆરએફની બે ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં એનડીઆરએફની બે ટીમ અને એસડીઆરએફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભારે વરસાદને પગલે સ્ટેટ હાઈવેના 3 તેમજ અન્ય એક ઉપરાંત પંચાયત વિભાગના 90 મળી રાજ્યના કુલ 94 માર્ગો બંધ હોવાનું સામે આવ્યું છે જેમાં રાજકોટને બાદ કરતા સૌરાષ્ટ્રના 22 જેટલા પંચાયત માર્ગનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન : જુનમાં 115 ટકા વધુ વરસાદ પડ્યો, સૌથી વધુ વરસાદ સાબરકાંઠામાં નોંધાયો
વરસાદ આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવી છે જે અન્વયે મુખ્યત્વે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગમાં ભારે વરસાદ પડશે. સાથે જ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નવસારી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.