આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમના એજબેસ્ટનમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત અત્યારે 0-1થી પાછળ છે. હેડિંગ્લે ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડે 371 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી ભારતને અણધારી હાર આપ્યા બાદ આજે ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને ભારતે બેટરોની મદદગાર પીચ ઉપર એવા બોલરોને પસંદ કરવા પડશે જે 20 વિકેટ ખેડવી શકે. આ મુકાબલો બપોરે 3ઃ30 વાગ્યાથી શરૂ થશે.

આ મેદાન ઉપર ત્રણ વર્ષ પહેલાં ઈંગ્લેન્ડે 378 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શ્રેણી ડ્રો કરાવી હતી. પાછલા થોડા વર્ષોમાં કાઉન્ટી ક્રિકેટમાં આ મેદાન ઉપર ખૂબ જ રન બન્યા છે. આ મેદાન ઉપર સ્પિનરોની ભૂમિકા મહત્ત્વની બની રહેવાની છે એટલા માટે ભારતે રવિન્દ્ર જાડેજાની સાથે કુલદીપ યાદવ અથવા વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો જ પડશે. એકંદરે કુલદીપ યાદવનું પલડું અત્યારે ભારે લાગી રહ્યું છે.

પ્રથમ ટેસ્ટમાં શાર્દૂલ ઠાકુર ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હતો પરંતુ બીજી ટેસ્ટમાં શાર્દૂલની જગ્યાએ નીતિશકુમાર રેડ્ડીને તક મળી શકે છે. જો બુમરાહ આજની મેચમાં નથી રમતો તો ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહમ્મદ સીરાજ, આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા સંભાળશે.
આ પણ વાંચો : “ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ RCBના કારણે થઈ” બેંગલુરુ દુર્ઘટના પર ટ્રિબ્યુનલનો રિપોર્ટ

ખાસ કરીને ભારતે આ મેચમાં ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે કેમ કે પહેલી ટેસ્ટમાં ટીમને હરાવવામાં ફિલ્ડિંગનું યોગદાન ખાસ્સું રહ્યું હતું. બીજી બાજુ ઈંગ્લેન્ડ વતી ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પારિવારિક ઈમરજન્સીને કારણે મેચમાં ઉતરશે નહીં પરંતુ ક્રિસ વોક્સની આગેવાનીમાં બોલિંગ એટેક આત્મવિશ્વાસથી ભરપૂર છે. ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં બે વખત ભારતની દસ-દસ વિકેટ લીધી હતી.