રાજકોટ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ : કડક સુરક્ષા વચ્ચે મત ગણતરી શરૂ
સમગ્ર રાજ્યમાં તા.22મીએ યોજાયેલ ગ્રામ પંચાયતોની સામાન્ય,મધ્યસત્રીય અને પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં બિનહરીફ અને સમરસ થયેલ ગ્રામ પંચાયતોને બાદ કરતા 144 ગ્રામ પંચાયતો માટે થયેલ મતદાન બાદ આજે શહેર અને જિલ્લામાં 11 સ્થળોએ સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે . ગ્રામ પંચાયતોની મતગણતરી અન્વયે તમામ મતગણતરી સ્થળોએ મોબાઈલના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 243 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી જાહેર થઇ હતી જેમાં બિનહરીફ અને સમરસ ગ્રામ પંચાયતો જાહેર થયા બાદ 45 ગ્રામ પંચાયતની સામાન્ય અને 22 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે તા.22ના રોજ મતદાન થયું હતું જેમાં સામાન્ય ચૂંટણીમાં 51108 પુરુષ અને 47693 સ્ત્રી સહિત કુલ 98801 મતદારો નોંધાયેલ હતા. જે પૈકી 399391 પુરૂષ અને 33855સ્ત્રી સહિત કુલ 73246 મતદારોએ મતદાન કરતા કુલ 74.13 મતદાન થયું હતું. જયારે ૨૨ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 13878 પુરુષ અને 12520 સ્ત્રી મતદારો મળી કુલ 26398 મતદારોએ મતદાન કરતા 58.21 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચો : Ind vs Eng : લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું, શુભમન ગિલનું દર્દ છલકાયું, જાણો હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા?
દરમિયાન રાજકોટ જિલ્લામાં કુલ 144 મતદાન મથકો ઉપર અંદાજે એક લાખ જેટલા મતદારોએ કરેલા બેલેટ પેપરથી મતદાન બાદ આજે સવારે 9 વાગ્યાથી જિલ્લામાં તમામ તાલુકા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે જેમાં સૌથી વધુ ગ્રામ પંચાયતોની સંખ્યા જસદણ તાલુકામાં હોવાથી પરિણામ આવતા સમય લાગશે,જિલ્લામાં કુલ 1 લાખ જેટલા મતપત્રકોની ગણતરી કરવામાં આવનાર હોય બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.