હવે તમે 20°Cથી નીચે AC નહીં ચલાવી શકો! ટૂંક સમયમાં સરકાર લાવી રહી છે નવા નિયમ
આપણા દેશમાં એરકન્ડીશનરના વપરાશ ઉપર કોઈ નિયંત્રણ નથી. કાળઝાળ ગરમીમાં લોકો પોતાના ઘર કે ઓફિસમાં એ.સી. ૧૬ ડીગ્રી સુધી ચલાવે છે અને આ રીતે ગરમીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં વીજ વપરાશ પણ અનેક હદે વધી જાય છે પરંતુ હવે સરકારે આમાં પણ રસ્તો કાઢ્યો છે અને એ.સી.નું તાપમાન સેટ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે સરકાર ટૂંક સમયમાં નવો નિયમ લાવી રહી છે તેવી જાહેરાત કેન્દ્રના ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે કરી છે.

સરકાર જે નિયમ લાવી રહી છે તે લાગુ થયા પછી, એસી 20 ડિગ્રીથી નીચે અથવા 28 ડિગ્રીથી ઉપર સેટ કરી શકાશે નહીં.સાદી ભાષામાં કહીએ તો તમે તમારા રૂમને 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઠંડો કરી શકશો નહીં અથવા તેને 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગરમ કરી શકશો નહીં.
નવો નિયમ રહેણાંક, વાણિજ્યિક સંસ્થાઓ અને વાહનોમાં સ્થાપિત એસી પર લાગુ થશે, એટલે કે ઘર, ઓફિસ અને વાહનમાં એસી 20 ડિગ્રીથી નીચે ચાલી શકશે નહીં.
નવા નિયમો સાથે સરકારનો પહેલો ઉદ્દેશ્ય વધુ પડતો વીજળીનો વપરાશ ઘટાડવાનો છે. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે આ નિર્ણય ઉર્જા સંરક્ષણ, વીજળીનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ખટ્ટર મોદી સરકારના 2047ના વિઝનની રૂપરેખા આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકાર સમગ્ર દેશમાં એક નવી સિસ્ટમ લાવવા જઈ રહી છે, જેના હેઠળ બધા એસીનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રીથી ઉપર લઈ જઈ શકાશે નહીં. આ સિસ્ટમ ઠંડક અને ગરમી બંને સ્થિતિમાં કામ કરશે.

પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એર કંડિશનરના તાપમાનને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તે ખૂબ જ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઘણા દેશો છે જ્યાં આ સિસ્ટમ લાગુ છે. તેમણે જાપાનનું ઉદાહરણ પણ આપ્યું જ્યાં મર્યાદા 26 ડિગ્રી છે. ઇટાલી વિશે વાત કરતા તેમણે કહ્યું કે અહીં તાપમાન 23 ડિગ્રી છે.
આ પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
હાલમાં ઘણી કંપનીઓના એસી 16 ડિગ્રીના લઘુત્તમ તાપમાને ચાલી શકે છે. આ નિયમ લાગુ થયા પછી, એર કન્ડીશનર કંપનીઓ તેમના નવા એસી માટે તેનો અમલ કરશે. એટલે કે, આ નિયમ આવ્યા પછી બજારમાં આવનારા એસીમાં ન્યૂનતમ ઠંડક 20 ડિગ્રી હશે અને તાપમાન 28 ડિગ્રીથી ઉપર સેટ કરી શકાશે નહીં.