વર્લ્ડકપમાં પસંદગી ન થવાનો ‘ખાર’ ધ હન્ડ્રેડમાં કાઢ્યો !
ઈંગ્લીશ બેટર હૈરી બ્રુકે 11 ચોગ્ગા-સાત છગ્ગા સાથે 42 બોલમાં ઝૂડ્યા અણનમ 105 રન
હૈરી બ્રુકએ ઈંગ્લેન્ડની ક્રિકેટ લીગ ધ હન્ડ્રેડમાં સૌથી ઝડપી સદી બનાવી છે આમ છતાં તેની ટીમને પરાજય જોવા પડ્યો છે. પાછલા સપ્તાહે વર્લ્ડકપ-2023 માટે ઈંગ્લેન્ડની સંભવિત ટીમની જાહેરાત થઈ હતી જેમાં બ્રુકને જગ્યા મળી ન્હોતી જે વાતનો ખાર બ્રુકે ધ હન્ડ્રેડમાં કાઢી નાખ્યો છે.
આ મેચમાં બ્રુકની ટીમે 10 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી હૈરી બ્રુકે મોરચો સંભાળ્યો હતો. ઈનિંગના 99મા બોલે છગ્ગો મારીને તેણે પોતાની સદી પૂર્ણ કરી હતી. એકંદરે 42 બોલમાં બ્રુક 11 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારી 105 રને અણનમ રહ્યો હતો.
બ્રુકે આઈપીએલ અને પાકિસ્તાનની ટી-20 લીગ પીએસએલમાં પણ સદી બનાવી ચૂક્યો છે. તે આઈપીએલ, પીએસએલ અને સાથે જ ધ હન્ડ્રેડમાં સદી બનાવનારો દુનિયાનો એકમાત્ર બેટર છે. બ્રુક ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો મુખ્ય ખેલાડી છે. 12 ટેસ્ટની કરિયરમાં તેણે 62ની સરેરાશ અને 92ના સ્ટ્રાઈક રેટથી 1181 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી ચાર સદી અને સાત ફિફટી નીકળી છે.
ધ હન્ડ્રેડમાં બ્રુકની સદી છતાં તેની ટીમ સાત વિકેટે 158 રન જ બનાવી હતી. જવાબમાં હરિફ ટીમ વેલ્સ ફાયરે બે વિકેટ ગુમાવીને 10 બોલ બાકી રહેતાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.વેલ્સ વતી સ્ટેફેન ઈસ્કિંઝીએ 28 બોલમાં 58 રન બનાવ્યા હતા.