ભારે કરી ! AIએ રાજકોટના આધાર કેન્દ્રના બે ઓપરેટરને કરાવ્યા સસ્પેન્ડ, વાંચો શું છે સમગ્ર મામલો
ટેક્નોલોજીના જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (AI)ની અત્યારે બોલબાલા છે ત્યારે આ જ AI દ્વારા રાજકોટ મહાપાલિકા સંચાલિત આધાર કેન્દ્રના બે ઓપરેટરને સસ્પેન્ડ કરાવતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ દોઢેક મહિના સુધી હવે નવા ઓપરેટરની નિમણૂક અથવા સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરને ફરી બહાલી નહીં મળે ત્યાં સુધી બે વોર્ડના આધાર કેન્દ્ર બંધ રહેનાર હોવાનું જાહેર કરાયું છે.

આ અંગે જાણવા મળ્યા પ્રમાણે મહાપાલિકા દ્વારા વોર્ડ નં.1થી 18માં આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જે પૈકી વોર્ડ નં.3નું આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલું આધાર કેન્દ્ર તેમજ વોર્ડ નં.16માં મેહુલનગર શેરી નં.6માં આવેલા કેન્દ્રના ઓપરેટર દ્વારા આધાર કાર્ડ બનાવવા માટે, સુધારા કરાવવા માટે આવતાં અરજદારોના નામ, સરનામા, અટક, મોબાઈલ નંબર સહિતની વિગતો ફિડ કરવામાં આવતી હોય છે. આ પૈકી નામ અને સરનામામાં અમુક સ્પેલિંગમાં વારંવાર ભૂલ આવી રહી હોય બેંગ્લોર સ્થિત યુઆઈડી વિભાગ દ્વારા અરજી રિજેક્ટ કરવામાં આવતી હતી.
આ પણ વાંચો : GSTમાં સામાન્ય લોકોને રાહત આપવાની તૈયારી : સસ્તા ભાવે મળશે આ વસ્તુઓ, 12 ટકાનો સ્લેબ થઈ શકે છે રદ
એકંદરે એક જ આધાર કેન્દ્રમાંથી વારંવાર ભૂલભરેલી એન્ટ્રી કરવામાં આવી રહ્યાનો નિષ્કર્ષ એઆઈ દ્વારા કાઢવામાં આવતાં વિભાગ દ્વારા તાત્કાલિક બન્ને વોર્ડના ઓપરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.