6 જૂને મુખ્યમંત્રી રાજકોટમાં : રેસકોર્સ આર્ટ ગેલેરી સહિત 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
6 જૂનને શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકા હસ્તકના 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રીના હસ્તે રેસકોર્સમાં આવેલી ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી આર્ટગેલેરી કે જે 5.90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ આર્ટગેલેરી શરૂ થઈ જવાને કારણે હજારે નાના-મોટા કલાકારોને એક ઉમદા પ્લેટફોર્મ મળશે સાથે સાથે નાના-મોટા એક્ઝિબિશનનું આયોજન કરનારા આયોજકો પણ અહીં કાર્યક્રમ યોજી શકશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વોર્ડ નં.4માં સેટેલાઈટ 80 ફૂટ રોડ, જયપ્રકાશનગર, રાજ હાઈટસની અંદરનો રોડ, મધુવન સોસાયટી, નંદનવન સહિતની સોસાયટીમાં પેવિંગ બ્લોક, વોર્ડ નં.4માં નવી બની રહેલી અલગ-અલગ સોસાયટીને મેટલિંગ કરવાનું કામ, વોર્ડ નં.2માં કમલમ્ કાર્યાલય નજીક 4.45 કરોડના ખર્ચે બનનારા પાર્ટી પ્લોટ, વોર્ડ નં.2માં જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં આવેલ ડૉ.હેડગેવાર પ્રાથમિક શાળા નં.74નું જૂનું બિલ્ડિંગ દૂર કરી નવું બિલ્ડિંગ બનાવવાનું કામ, વોર્ડ નં.7માં કિશોરસિંહજી સ્કૂલ શાળા નં.1મું રિનોવેશન તેમજ રેટ્રોફિટિંગનું કામ, વોર્ડ નં.1થી 18માં અલગ-અલગ જગ્યાએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે બોર તેમજ બોર રિચાર્જ સિસ્ટમ કરવાનું કામ, વોર્ડ નં.1માં ઘંટેશ્વર ગામતળ (જૂનું ગામ)માં ડીઆઈ પાઈપ લાઈન નાખવાનું કામ સહિતના 50 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આર્ટગેલેરી શરૂ નથી થઈ ત્યાં તો કચરાના ઢગલા થવા લાગ્યા !

મુખ્યમંત્રી શુક્રવારે જેનું લોકાર્પણ કરવાના છે તે રેસકોર્સની ડૉ.શ્યામાપ્રસાદ આર્ટગેલેરીની બરાબર સામે જ કચરાના ઢગલા થવા લાગતાં આશ્ચર્ય થવા લાગ્યું હતું. હજુ તો આ આર્ટગેલેરી શરૂ પણ નથી થઈ ત્યાં જ આવી હાલત થવા લાગતાં આગામી સમયમાં અહીં સ્વચ્છતા નહીં જળવાય તો કેવી સ્થિતિ નિર્માણ પામશે તેની કલ્પના જ કરવી ઘટે…!
