રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
ઈન્દિરા સર્કલ પાસે સિટી બસે ચાર નિર્દોષ લોકોને કચડી નાખ્યાની ગોઝારી દૂર્ઘટના બન્યા બાદ શહેરમાં સિટી બસનું સંચાલન પાટે ચડવાનું નામ લઈ રહ્યું નથી. દરરોજ અનેક રૂટની બસ ડ્રાઈવરના અભાવે બંધ પડી રહેતી હોવાને કારણે લોકોએ નાછૂટકે મોંઘા ભાડે રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ એક મુદ્દાનો સચોટ ઉકેલ લાવવામાં નિષ્ફળ નિવડેલી મહાપાલિકા હવે 125 ઈલેક્ટ્રિક બસમાં 250 કંડક્ટરની ભરતી કરવા માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
આ અંગે રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર મનિષ વોરાએ જણાવ્યું કે 125 બસમાં 250 કંડક્ટરની નિમણૂ કરવા માટેનું ટેન્ડર ત્રીજી વખત પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અગાઉ ડિસેમ્બરમાં કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એજન્સીએ રસ લીધો ન્હોતો. દરમિયાન ઈન્દિરા સર્કલ પાસે થયેલા અકસ્માત બાદ ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાં ખાસ કરીને દરેક કંડક્ટર પાસેથી આઠ કલાક કરતાં વધુ કામ ન કરાવવા સહિતના મુદ્દા સામેલ હોય તેના કારણે પણ એજન્સીઓ પીછેહઠ કરી રહી હોય તેવું બની શકે. આ ઉપરાંત એજન્સીઓ દ્વારા ટિકિટિંગ મશીન મહાપાલિકા આપે તેવી માંગ કરાઈ હોય તેનો સ્વીકાર કરીને હવે મહાપાલિકા જ ટિકિટિંગ મશીન આપશે તેવું નક્કી કરાયું છે અને એજન્સીએ માત્ર મેનપાવર જ સપ્લાય કરવાના રહેશે.
અત્યારે આ કોન્ટ્રાક્ટ અલ્ટ્રામોર્ડન નામની એજન્સી પાસે 2021થી હોવાનું અને તેનો સમયગાળો પૂર્ણ થયાનું તેમણે જણાવ્યું હતું. જો કે જ્યાં સુધી નવી એજન્સી નક્કી ન થાય ત્યાં સુધી આ એજન્સી પાસેથી જ કામ લેવામાં આવશે. હાલ પ્રત્યેક કંડક્ટરને પ્રતિ દિવસ 558 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. આ પ્રમાણે 225 કંડક્ટરને બે વર્ષમાં 13 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવશે.
બીજી બાજુ ફરજિયાત આઠ કલાક જ કામ લેવાના નિયમમાં બાંધછોડ કરી શકાય કે કેમ તે અંગે પૂછવામાં આવતાં મનિષ વોરાએ જણાવ્યું કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સંચાલિત થઈ રહેલી ઈલેક્ટ્રિક બસના કંડક્ટર પાસેથી કેવી રીતે કામ લેવામાં આવી રહ્યું છે તેની માહિતી મંગાવવામાં આવી છે જે આવી ગયા બાદ તેના આધારે જરૂરી ફેરફાર કરવામાં આવશે.
