કોઈ પણ શહેરનો ‘વિકાસ’ કરવો હોય તો તેના માટે ટાઉન પ્લાનિંગ અત્યંત આવશ્યક પાસું ગણાતું હોય છે. બીજી બાજુ રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો હોય ટાઉન પ્લાનિંગ કરવું જરૂરી બની ગયું હોય મહાપાલિકા દ્વારા એક સાથે સાત વિસ્તારમાં ટીપી સ્કીમ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જેના ઉપર આવતાં મંગળવારે મળનારા જનરલ બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે.
સૌપ્રથમ વાત કરવામાં આવે તો ઘટેશ્વર ટીપી સ્કીમ નં.૪૬નો ઈરાદો જાહેર કરી દેવામાં આવ્યો છે. ઘંટેશ્વર વિસ્તારમાં રૂડા દ્વારા મંજૂર કરાયેલી વિકાસ યોજના-૨૦૩૧માં આ વિસ્તારને રહેણાક તેમજ ઈન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે સૂચવવામાં આવ્યો છે ત્યારે અહીંના વિકાસને ધ્યાનમાં રાખી ટીપી સ્કીમ બનાવવી જરૂરી હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમનું ક્ષેત્રફળ ૧૯,૨૫,૬૮૬ (૧૯૨.૫૬ હેક્ટર) ચોરસમીટર છે. ઉત્તરે રૂડાની ટીપી સ્કીમ નં.૭૬ (પરાપીપળીયા)ની હદ આવેલી છે. તો દક્ષિણે સૂચિત મુળ નગરરચના યોજના નં.૪૭ (ઘટેશ્વર) અને ૪૮ (ઘટેશ્વર)ની હદ આવેલી છે. પૂર્વમાં માધાપર ગામની હદ તો પશ્ચિમે રૂડા વિસ્તારમાં સામેલ પરાપીપળીયા ગામની હદ આવેલી છે. એકંદરે જનરલ બોર્ડ તરફથી લીલીઝંડી મળી ગયા બાદ આ ટાઉન પ્લાનિંગ સ્કીમની રચના પૂરપાટ ઝડપે શરૂ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત મોરબી રોડ ઉપર બે ટીપી સ્કીમની દરખાસ્ત અંગે પરામર્શ માંગવામાં આવ્યો છે. જ્યારે મવડી નોન ટીપી વિસ્તારમાં ૩૦ મીટર ડીપી રોડને ૨૪ મીટરનો ટીપી રોડ દર્શાવી દેવામાં આવ્યો હોય તેમાં સુધારો કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. આ જ રીતે મોટામવામાં ત્રણ ટીપી સ્કીમને પરામર્શ માટે મુકવામાં આવી છે.
આ વખતે જનરલ બોર્ડના એજન્ડામાં કુલ ૧૧ દરખાસ્ત મુકવામાં આવી છે જેમાંથી સાત દરખાસ્ત ટાઉન પ્લાનિંગ સ્કીમને લગત છે જ્યારે નામકરણ કરવાની ત્રણ દરખાસ્ત સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
