સોલાર રુફટોફના વીજ ઉત્પાદનના આંકડામાં ગોલમાલ : રાજકોટના જાગૃત નાગરિકે PGVCLની પોલ ખુલ્લી પાડી
પીએમ સૂર્યઘર યોજના હેઠળ વીજળીની બચત સાથે કમાણી કરવાની જોરશોરથી થતી જાહેરાત વચ્ચે રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં જ નહીં સમગ્ર દેશમાં ટોચના ક્રમે છે ત્યારે રાજકોટમાં એક વીજ ગ્રાહકે સોલાર રૂફ ટૉફ લગાવ્યા બાદ ગ્રાહકોને ફાયદો થવાને બદલે વીજ કંપની ચાલાકી કરી મહિને 100 જેટલા વીજ યુનિટમાં ગોટાળા કરી વીજ ગ્રાહકોને છેતરી રહી હોવાની ગોલમાલ પકડી પડી છે. સાથે જ સ્માર્ટ વીજ મીટરમાં પણ ગ્રાહકોને વધુ વીજળી બિલ આપી રહી હોવાની ચાલને ઉઘાડી પાડી છે.
રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલ વિનાયક વાટિકામાં રહેતા રાહુલ ત્રિવેદી નામના વીજ ગ્રાહકે સોલાર રુફટોફ લગાવ્યા બાદ વીજ કંપની તેમના મોબાઈલ ફોનમાં અને મીટરમાં દર્શાવતા આંકડા સાથે તફાવત રાખી વીજ ગ્રાહકને છેતરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ત્રિવેદીએ માર્ચ મહિના દરમિયાન તેમને લગાવેલ સોલાર રુફટોફ દ્વારા 30 દિવસમાં 448.08 યુનિટ વીજળી ઉત્પન્ન થઈ હોવા છતાં વીજ કંપનીના સ્ટેટમેન્ટ મુજબ તેઓના સોલાર મારફતે 353.01 યુનિટ જ વીજળી એક્સપોર્ટ થઈ હોવાનું બતાવી રહ્યું છે જે છેતરપિડી હોવાનું જણાવી એક મહિનામાં 95 યુનિટથી વધારે વીજ ઉત્પાદન ક્યાં ગયું તેવો સવાલ ઉઠાવી રહ્યા છે.

સાથે જ રાહુલ ત્રિવેદીએ સોલાર રુફટોફ લગાવતા તેમને ત્યાં હાલમાં ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવામાં આવતા આ સ્માર્ટ વીજ મીટરમાં પણ વીજવપરાશના આંકડા ભૂલ ભરેલા આવતા હોવાનો આરોપ લગાવી પોતે નોકરિયાત હોય અનેક દિવસોમાં ઘેર કોઈપણ સભ્ય હાજર ન હોવાથી પર બંધ હોવા છતાં આવા દિવસો દરમિયાન પણ સ્માર્ટ વીજ મીટરમાં દૈનિક એકથી વધુ યુનિટનો વપરાશ દર્શાવવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બુધવરથી પીજીવીસીએલની સ્માર્ટ મીટર યોજનાના ગ્રાહકોને દૈનિક વીજ વપરાશ યુનિટના બદલે કિલોવોટમાં દર્શાવવાનું શરૂ કર્યું હોવાનું જણાવી સોલાર વીજ ઉત્પાદનમાં પીજીવીસીએલના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના આંકડા અંગે શંકા વ્યક્ત કરી હતી
સોફ્ટવેરના અભાવે સોલાર ગ્રાહકોને છ મહિનાથી બિલ જ નથી મળ્યા
રાજ્યમાં સૌથી વધુ પીજીવીસીએલના વીજ ગ્રાહકો સોલાર રૂટૉક યોજનાનો લાભ લઈ રહ્યા છે ત્યારે અગાઉ સોલાર રુફટોક લગાવનાર ગ્રાહકોને વીજ મીટરના અભાવે સોલાર લગાવ્યા બાદ પણ મીટર લાગતા ન હતા તેવામાં હાલમાં છેલ્લા છ મહિનાથી સોલાર રુફટોફનો લાભ લેનાર ગ્રાહકોને વીજ બિલ જ આપવામાં ન આવ્યા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. અનેક કિસ્સામાં ગ્રાહકોને બેન્ક એકાઉન્ટ કે એડ્રેસ ચેન્જ માટે વીજબિલની જરૂરત હોય આવા ગ્રાહકો હેરસન થઈ રહ્યા છે. બીજી તરફ પીજીવીસીએલ પાસે સોલાર ગ્રાહકો માટે વીજ બિલ આપવા માટેનો સોફ્ટવેર જ ઉપલબ્ધ ન હોય વીજ બિલ આપવામાં ન આવતા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.