Pahalgam Terror attack : થોડાક જ સમયમાં હુમલાનો આકરો જવાબ અપાશે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગર્જના
પહેલગામમાં હુમલા બાદ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે બીજી તરફ આ ભયાનક આતંકવાદી હુમલાના પગલે સરકારમાં દોડધામ મચી ગઈ છે અને દિલ્હીમાં તાબડતોડ બેઠકો થઈ રહી છે. સરકારના મંત્રીઓ સક્રિય છે. રાજનાથ સિંહે બુધવારે એમ કહ્યું હતું કે હુમલાખોરોને થોડાક જ સમયમાં આકરો જવાબ અપાશે. ભારત આવા હુમલાઓથી ડરશે નહિ. આતંકીઓને જોરદાર રીતે જવાબ અપાશે. આતંક વિરુધ્ધ અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે .
સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદી હુમલાના પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાથે ઈમરજન્સી બેઠક કરી હતી.
આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ પહેલા સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.