રાજકોટ : સિટી બસથી 4 લોકોનો ભોગ લેનાર ચાલક શિશુપાલસિંહ જેલહવાલે ; ડિરેક્ટરની પૂછપરછ
- મુખ્ય કોન્ટ્રાક્ટર એજન્સી પીએમઆઈના ડિરેક્ટર દીપેશ દ્વિવેદીના નિવેદન આધારે જવાબદારી ફિક્સ કરાશે
- લાયસન્સ રિન્યુ ન કરાવ્યું તો `ફોલ્ટ’ કોનો, PMI કે વિશ્વમ એજન્સીનો ? ટૂંક સમયમાં ગુનો નોંધાશે
રાજકોટ ઈન્દીરા સર્કલ પાસે સિટી બસ હડફેટે ચાર લોકોને કચડી નાખવાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા બસના ચાલકની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં તેને જેલહવાલો કરવાનો હુકમ કરાતાં જ સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ સિટી બસના સંચાલનનો કોન્ટ્રાક્ટ મેળવનાર મુખ્ય એજન્સી PMIના ડિરેક્ટરને ગાંધીગ્રામ પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના PI એસ.આર.મેઘાણીએ જણાવ્યું કે બસના ચાલક શિશુપાલસિંહ રાણાને અકસ્માત બાદ ટોળાં દ્વારા માર મારવામાં આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી તે સ્વસ્થ થઈ જતાં પોલીસ દ્વારા રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ પછી મુખ્ય કોન્ટ્રાક્ટર એજન્સી PMIના ડિરેક્ટર દીપેશ દ્વિવેદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. નિવેદનના આધારે આગળ કોની જવાબદારી ફિક્સ થાય છે તે નક્કી કરવામાં આવશે.
અત્રે મહત્ત્વની બાબત એ છે કે શિશુપાલસિંહ રાણાનું લાયસન્સ બે મહિનાથી એક્સપાયર્ડ થઈ ગયું હોવા છતાં તેને બસ શા માટે ચલાવવા દેવામાં આવી ? લાયસન્સ રિન્યુઅલ કરવા સહિતની પ્રક્રિયા પીએમઆઈ એજન્સી સંભાળે છે કે પછી તેનો પેટા કોન્ટ્રાક્ટ મેળવનાર રાજકોટની વિશ્વમ એજન્સી ? આ નક્કી થઈ ગયા બાદ ટૂંક સમયમાં જ પીએમઆઈ અથવા વિશ્વમ એજન્સીના જવાબદાર સામે ગુનો નોંધવામાં આવી શકે છે.