તસ્કરોએ ઉપાડો લીધો : રાજકોટમાં ઘડિયાળના શો-રૂમમાં 20 મિનિટમાં 70.83 લાખની ચોરી, પોલીસ માટે CCTV એક જ સહારો
રાજકોટ શહેરમાં તસ્કરોએ પણ ઉપાડો લીધો છે. ગત સપ્તાહે ૬૦ લાખના હીરાની ચોરી કર્યાના બનાવ બાદ ગત રાત્રે 24 કલાક ધમધમતા રહેતા યાજ્ઞિક રોડ પર જી.ટી. શેઠ સ્કૂલ નજીકના બ્રાન્ડેડ ઘડિયાળના અદ્યતન શો-રૂમને નિશાન બનાવ્યો હતો. માત્ર 20 મિનિટમાં જ મોંઘી બ્રાન્ડેડ 68,83,150ની કિંમતની 102 ઘડિયાળ તથા ડ્રોવરમાંથી ચાર લાખ રૂપિયાની રોકડ ચોરી ગયા હતા. લાખોની ચોરી થયાના બનાવના પગલે સી.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને રાબેતા મુજબ તપાસ આરંભી છે. રાજકોટમાં કોઠારિયા રોડ પર ગત ગુરૂવારની રાત્રે હીરાના કારખાનામાં રાત્રીના બે કલાકથી વધુ સમય ગાળીને તિજોરી તોડી અંદરથી 60 લાખથી વધુના હીરાની ચોરી થઈ હતી. લાખોની ચોરીમાં અત્યાર સુધી ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, ભક્તિનગર સહિતની પોલીસને કોઈ કડી મળી નથી. હજુ હવામાં જ હવાતિયા જેવું છે ત્યાં ફરી આજે વહેલી સવારે તસ્કરોએ તેમની સતર્કતાને પરચો આપી પોલીસને લપડાક મારતા યાજ્ઞિક રોડ પર શો-રૂમમાં 70.83 લાખની ચોરી કરી છે.
શું છે સમગ્ર મામલો ?
યાજ્ઞિક રોડ પર ત્રિકાણબાગ નજીક જીમખાના સામે હજારો સ્કવેર નામના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાધિકા નામે ઘડિયાળનો શો-રૂમ આવ્યો છે જેમાં અંદર મોંઘી અલગ-અલગ બ્રાન્ડની ઘડિયાળોનું વેચાણ થાય છે. શો-રૂમમાં નવ કર્મચારી છે તેમજ એક લેડી કર્મચારી ટાઈટન કંપનીના પરફ્યુમ વિભાગના મળી દસ કર્મચારી ફરજ બજાવે છે.

ન્યુ જાગનાથ પ્લોટ બી/ 4141 ગિરીરાજ મકાનમાં રહેતા શો-રૂમના માલિક રવિભાઈ ભુપેન્દ્રભાઈ ચોટાઈ (ઉ.વ.42) શો-રૂમ પર બેસે છે. ગઈકાલે રાત્રે તેઓ પરિવાર સાથે બહાર જવાનું હોવાથી શો-રૂમ પરથી થોડા વહેલા સવા આઠેક વાગ્યે નીકળી ગયા હતા. શો-રૂમ રાત્રે નવ વાગ્યા આસપાસ બંધ કરીને જીતેન્દ્ર દિનેશભાઈ જોગીયાણી ઘરે આવીને શો-રૂમની ચાવી આપી ગયા હતા. આજે સવારે દશેક વાગ્યા બાદ રવિભાઈ કાલાવાડ રોડ પર ચેકઅપ માટે લેબોરેટરીમાં ગયા હતા ત્યારે કર્મચારી દિનેશભાઈનો ફોન આવ્યો કે અત્યારે શો-રૂમ ખોલ્યો તો અંદર ડિસ્પ્લેમાં પડેલી ઘડિયાળો નથી. રવિભાઈ તુરંત જ શો-રૂમ પર પહોંચ્યા હતા. ડિસ્પ્લેમાંથી ઘડિયાળો ગાયબ હતી તેમજ કાઉન્ટરનું ડ્રોવર ચેક કરતાં તેમાં રહેલા ચાર લાખ રૂપિયા રોકડા હતા નહીં. . ચોરી સંદર્ભે તુરંત જ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સી.પી. મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસપી ચૌધરી સહિતના દોડી આવ્યા હતા. જ્યાં ચોરી થઈ તે ડિસ્પ્લે ચકાસ્યા હતા. શો-રૂમમાં તસ્કરો કોઈ નિશાન છોડી ગયા છે કે નહીં તેની વિગતો મેળવી હતી. સીસીટીવી ચેક કરવામાં આવતા તસ્કરો આજે વહેલી સવારે 4.45ના અરસામાં આવ્યા હતા. ઓટો રિક્ષામાં પાંચ શખસો હતા જેમાં ચાર બહાર રહ્યા હતા. એક શખસ શટર ઉંચકી અંદર ગયો હતો અને માત્ર 20 મિનિટમાં માત્ર મોંઘી ઘડિયાળો ચોરી કરીને બહાર નીકળી ગયો હતો અને લાખોની માલમત્તા સાથે તસ્કરો પોબારા ભણી ગયા હતા.
એ-ડિવિઝન પીઆઈ આર.જી. બારોટ તથા સ્ટાફે ફરિયાદ નોંધી હતી જેમાં નેબ્યુલા કંપનીની 45,53,500ની કિંમતની 19 કાંડા ઘડિયાળ, 9,94,650ની જાયલ્સ કંપનીની 34 ઘડિયાળ, 6.40 લાખની કિંમતની સિકો બ્રાન્ડની 16 ઘડિયાળ, 2.55 લાખની ગેસ કંપનીની 17 ઘડિયાળ તથા રાગા કંપનીની 2.40 લાખની 16 કાંડા ઘડિયાળ મળી કુલ 102 કાંડા ઘડિયાળ અને ચાર લાખની રોકડનો તસ્કરોએ હાથ માર્યો હતો. પોલીસે કર્મચારીઓની પૂછતાછ સાથે તપાસ આરંભી છે.

ઘડિયાળના જાણકાર કે જાણભેદુ હોય મોઘી જ વડિયાળો ઉઠાલી તસ્કર ટોળી ઘડિયાળની જાણકાર હોય અથવા તો શો-રૂમથી વાકેફ જાણભેદુ હોય શકે તેમ જે ઘડિયાળો ઉઠાવી તે 2.39 લાખથી લઈ 15 હજાર સુધીની કિંમતની ચોરી હતી જેના પરથી પોલીસને એવી શંકા છે કે ચોરી પૂર્વે તસ્કરો અગાઉ શો-રૂમમાં રેકી કરી ચૂક્યા હોય અથવા તો શો-રૂમ વિશે જાણનાર કોઈઅએ માહિતી આપી હોઈ શકે. જો કે તસ્કરો હાથમાં આવે ત્યારે જ સત્ય બહાર આવી શકે.
સ્નિફર ડોગ શો રૂમમાં ચક્કર લગાવી શેરીએ અટક્યો

ચોરી સંદર્ભે સ્નીફર ડોગની મદદ લેવાઈ હતી. ગંધપારખું ડોગે શો-રૂમમાં ચક્કર લગાવ્યા હતા અને નીચે ઉતરી બસ સ્ટેશન તરફ જતાં રસ્તા તરફ શેરીમાં જઈ અટકી ગયો હતો. ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતની પણ મદદ લેવાઈ હતી.
બસ એક તું હી સહારા… CCTVની ચકાસણી

તસ્કરોનું પગેરુ દબાવવા માટે પોલીસે એક તું હી સહારા આશીર્વાદરૂપ આઈવે પ્રોજેક્ટના સીસીટીવી ઉપરાંત રસ્તા પર દુકાનો, શો-રૂમ્સ કે આવી જગ્યાઓ પર રહેલા સીસીટીવી કેમેરા ચેક કરવા દોડાદોડી આરંભી છે.